ITR, ટેક્સ ઓડિટ રિપોર્ટ ભરવાની અંતિમ તારીખોમાં વધારવાની GCCIની અરજ

અમદાવાદઃ ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝે (GCCIએ) સેન્ટ્રલ બોર્ડ ઓફ ડિરેક્ટ ટેક્સીસને નાણાકીય વર્ષ 2024-25ના ITR અને ટેક્સ ઓડિટ રિપોર્ટ ફાઇલિંગ કરવા માટેની અંતિમ તારીખ લંબાવવા માટે વિનંતી કરતો પત્ર લખ્યો છે. GCCI આ પત્રમાં લખ્યું છે કે કરદાતાઓ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ અને અન્ય હિતધારકોને નાણાકીય વર્ષ 2024-25  માટે આવકવેરા રિટર્ન અને ટેક્સ ઓડિટ રિપોર્ટ સમયસર દાખલ કરવામાં આવી રહેલી કેટલીક વ્યવહારુ મુશ્કેલીઓ તરફ ધ્યાન દોરવા માટે લખી રહ્યા છીએ. અમે વિનંતી કરીએ છીએ કે આપ આ વાસ્તવિક પડકારોને ધ્યાનમાં લઈ રિટર્ન અને ટેક્સ ઓડિટ રિપોર્ટ દાખલ કરવાની અંતિમ તારીખોમાં યોગ્ય વધારો કરો.

GCCIએ અંતિમ તારીખ લંબાવવા માટેનાં કારણો રજૂ કર્યાં છે, જેમાં

ITR રિટર્ન અને અન્ય ITR યુટિલિટી ફોર્મ્સ જારી થવામાં વિલંબ. સામાન્ય રીતે આ ફોર્મ્સ એપ્રિલમાં જારી થાય છે, પરંતુ નાણાં વર્ષ 2024-25 માટે એ ફોર્મ્સ જારી કરવામાં સરેરાશ ત્રણ મહિનાનો વિલંબ થયો છે.

યુટિલિટીઝનું પ્રકાશન માત્ર જુલાઈ 2025થી શરૂ થયું છે, અને ઓગસ્ટ 2025ના પ્રથમ સપ્તાહ સુધીમાં પણ કેટલાક ફોર્મ્સ હજુ બાકી છે.

. આયકર પોર્ટલ પર ટેક્નિકલ સમસ્યાઓ

કરદાતાઓ અને પ્રોફેશનલો આયકર ઇ-ફાઇલિંગ પોર્ટલ પર ટેકનિકલ પ્રશ્નોનો સામનો કરી રહ્યા છે, જેના કારણે પાલન (Compliance)ની સમયમર્યાદા અને કાર્યક્ષમતામાં નોંધપાત્ર અસર પડી રહી છે. આવકવેરા રિટર્ન (ITR) અને ઓડિટ રિપોર્ટ અપલોડ કરતી વખતે સિસ્ટમની ભૂલો: વપરાશકર્તાઓ ITR, ફોર્મ 3CD (ટેક્સ ઓડિટ રિપોર્ટ) અને અન્ય કાનૂની ફોર્મ્સ અપલોડ કરતી વખતે સિસ્ટમ ભૂલો વગેરે આ સમસ્યાઓ ઘણી વાર કોઈ સ્પષ્ટ કારણ વગર ઊભી થાય છે, જેને કારણે સબમિશન પ્રક્રિયા પૂર્ણ કરવા માટે વારંવાર પ્રયાસો કરવા પડે છે.

ઓગસ્ટથી નવેમ્બર 2025 દરમિયાનમાં દેશમાં ઉત્સવોમાં રક્ષાબંધન, જન્માષ્ટમી, ગણેશ ચતુર્થી, ઓણમ, ઈદ-એ-મિલાદ, નવરાત્રી, દુર્ગાપૂજા, દશેરા અને દિવાળી વગેરેનો સમાવેશ થાય છે. આ સાંસ્કૃતિક અને ધાર્મિક પ્રસંગોમાં આવતી રજાઓને લીધે  ઓડિટરો, ટેક્સ કન્સલ્ટન્ટો અને સહાયક સ્ટાફ જેવા મુખ્ય કર્મચારીઓની ઉપલબ્ધતા મહત્ત્વપૂર્ણ રીતે પ્રભાવિત થાય છે.

GCCIએ CBDTને વિનંતી કરી છે કે કરદાતાઓ અને વ્યાવસાયિકો દ્વારા અનુભવી રહેલી વાસ્તવિક મુશ્કેલીઓ અને ટેક્નિકલ મર્યાદાઓને ધ્યાનમાં રાખીને, ITR ફાઇલિંગ અને ટેક્સ ઓડિટ રિપોર્ટ સબમિશનની અંતિમ તારીખોને લંબાવશો. આવી મુદતવધારાથી યોગ્ય ITR ફાઇલિંગ, રિપોર્ટિંગમાં ચોકસાઇ અને ચાલુ મુશ્કેલીઓમાંથી રાહત મળી શકે.