જીત અદાણી-દિવા શાહ લગ્નગ્રંથિથી જોડાયા, પરિવારની 10,000 કરોડના દાનની જાહેરાત

અમદાવાદ: દેશના જાણીતા ઉદ્યોગપતિ ગૌતમ અદાણીના પુત્ર જીત અદાણીએ પરંપરાગત વિધિ સાથે દિવા શાહ સાથે કર્યા લગ્ન. આ શુભ પ્રસંગ અદાણી શાંતિગ્રામ ટાઉનશીપ ખાતે યોજાયો હતો અને તેમાં માત્ર પરિવાર અને નજીકના સંબંધીઓ હાજર રહ્યા હતા. આ સમારોહ સંપૂર્ણપણે ખાનગી રાખવામાં આવ્યો હતો અને તેમાં કોઈ સેલિબ્રિટી કે મહાનુભાવો હાજર નહોતા.

ગૌતમ અદાણીએ તેમના નાના પુત્રના લગ્નની તસવીરો શેર કરી અને સોશિયલ મીડિયા પર લખ્યું,

“સર્વશક્તિમાન ભગવાનના આશીર્વાદથી, જીત અને દિવા આજે લગ્નના પવિત્ર બંધનમાં બંધાયા. આજે અમદાવાદમાં પરંપરાગત વિધિઓ અને પ્રિયજનો વચ્ચે શુભ મંગલ ભાવ સાથે લગ્ન યોજાયા. આ એક નાનો અને અત્યંત ખાનગી કાર્યક્રમ હતો, તેથી અમે ઈચ્છતા હોવા છતાં બધા શુભેચ્છકોને આમંત્રણ આપી શક્યા નહીં, જેના માટે હું માફી માગુ છું. હું મારી દીકરી દિવા અને જીત માટે તમારા બધા પાસેથી મારા હૃદયપૂર્વકના પ્રેમ અને આશીર્વાદની માગ કરું છું.”

પ્રેરણાદાયી પહેલ

ગૌતમ અદાણીએ તેમના પુત્રના લગ્ન પ્રસંગે ₹10,000 કરોડના સામાજિક સેવા કાર્યની જાહેરાત કરી. આ રકમનો ઉપયોગ આરોગ્ય, શિક્ષણ અને કૌશલ્ય વિકાસ માટે કરવામાં આવશે. જે સામાન્ય લોકોને ઉચ્ચ ગુણવત્તાની સુવિધાઓ પૂરી પાડશે.

લગ્ન પહેલા જીત અદાણીએ પ્રયાગરાજમાં મહાકુંભમાં પહોંચીને આશીર્વાદ લીધા અને પરિવાર સાથે ગંગા સ્નાન કર્યું. તેમણે પહેલેથી જ સ્પષ્ટ કરી દીધું હતું કે તેમના લગ્ન સાદગી અને પરંપરાગત મૂલ્યો સાથે થશે.

મંગલ સેવા યોજના શરૂ કરવામાં આવી

ગૌતમ અદાણીએ અપંગ નવપરિણીત મહિલાઓ માટે ‘મંગલ સેવા’ યોજનાની જાહેરાત કરી. આ અંતર્ગત, દર વર્ષે 500 વિકલાંગ મહિલાઓને ₹10 લાખની નાણાકીય સહાય આપવામાં આવશે જેથી તેઓ આત્મનિર્ભર બની શકે.અદાણી પરિવારની સાદગી-સેવાની પરંપરા

ગૌતમ અદાણીએ આ પ્રસંગને ફક્ત પારિવારિક ખુશી પૂરતો મર્યાદિત રાખ્યો નહીં પરંતુ તેને સમાજ સેવા સાથે જોડ્યો. તેમણે કહ્યું, “સેવા એ જ સાચી આધ્યાત્મિક સાધના છે અને સમાજના ઉત્થાનથી મોટી કોઈ ઘટના હોઈ શકે નહીં.”