સુરતમાં ચૈત્રી નવરાત્રિમાં ગરબાની રમઝટ

સુરત: ગુજરાતના ઇતિહાસમાં પહેલીવાર સુરતમાં ચૈત્રી નવરાત્રિમાં ગરબાનું આયોજન થયું છે. શહેરના કોસમાડા ખાતે સમિધા ઇવેન્ટ્સ દ્વારા આયોજિત સુરસંપદા નવરાત્રિમાં દરરોજ હજારોની સંખ્યામાં ખેલૈયાઓ ગરબે રમી રહ્યા છે. 10 દિવસ 10 અલગ-અલગ કલાકારો પરર્ફોર્મ કરી રહ્યા છે. પહેલા દિવસે કિંજલ દવે એ સુરતીઓને ગરબના તાલે નચાવ્યા તો બીજા દિવસે પૂર્વા મંત્રી અને પછીના દિવસોમાં જીગરદાન ગઢવી, હરિઓમ ગઢવી, ઓસમાણ મીર, ભૂમિ ત્રિવેદી એ ચૈત્રી નવરાત્રિમાં ગરબાની રમઝટ બોલાવી. આગામી દિવસોમાં ગીતા રબારી, જયસિંહ ગઢવી, ઐશ્વર્યા મજુમદાર અને ઉમેશ બારોટના સૂરતાલમાં ખૈલેયાઓ ઝુમશે. ચૈત્ર નવરાત્રીમાં ગરબા રમાડવાનો મુખ્ય ઉદેશ યુવાનોને દસ દિવસ દરમિયાન ગરબાની સાથે સે નો ટુ ડ્રગ્સ, વ્યસન છોડો, વૃક્ષ વાવો જેવા મેસેજ પણ આપીને યુવાધનને જાગુત કરવામાં આવી રહ્યા છે. સ્ટેજનો શણગાર રામ મંદિર થીમ પર કરવામાં આવ્યો છે રોજ ગરબાની શરૂઆત આરતી, હનુમાન ચાલીસા અને રાષ્ટ્રગીતથી કરવામાં આવે છે.

સુરસંપદા ચૈત્રી નવરાત્રિના સભ્ય વિપુલ બુહાએ જણાવ્યું હતું કે, વર્ષમાં આવતી ત્રણ નવરાત્રિમાં ચૈત્રી નવરાત્રિનો મહિમા સૌથી વધારે છે પણ આજની પેઢીને એના વિશે કઈ ખબર નથી એટલે અમારો ઉદેશ્ય એ લોકોને એના વિશે જાગૃત કરવાનો પણ છે.

(અરવિંદ ગોંડલિયા-સુરત)