ગેઇલે સ્ટાર્ટઅપ્સ માટે ઈક્વિટી મૂડીરોકાણ માટે નવા પ્રસ્તાવો મગાવ્યા

નવી દિલ્હીઃ નવા ઉદ્યોગ સાહસિકોને (સ્ટાર્ટઅપ્સ- Start-Upsને) ટેકો આપવા માટે ગેઇલ ઇન્ડિયા લિ.એએ મૂડીરોકાણની પહેલ માટે ‘ગેઇલ પંખ- GAIL Pankh’નો 10મો રાઉન્ડ લોન્ચ કર્યો છે. જેના માધ્યમથી રસ ધરાવતા સ્ટાર્ટઅપ્સ મહારત્ન PSU પાસેથી ઈક્વિટી ઈન્વેસ્ટમેન્ટ માટે અરજી કરી શકે છે.

જેતે સ્ટાર્ટઅપ્સ ગેઇલની વેબસાઈટ https://gailonline.com પર ‘ગેઇલ પંખ-GAIL Pankh’ લિંક મારફતે અરજી કરી શકે છે. આ 10મો રાઉન્ડ 1 એપ્રિલ, 2025 થી 31 મે, 2025 સુધી ખુલ્લો રહેશે. આમાં મુખ્યત્વે નેચરલ ગેસ, પેટ્રોકેમિકલ્સ, એનર્જી, પ્રોજેક્ટ મેનેજમેન્ટ, ઈ-કોમર્સ, ફિનટેક, IoT અને ડેટા માઇનિંગ, પર્યાવરણ, આરોગ્ય, સામાજિક સુરક્ષા અને સલામતી જેવાં ક્ષેત્રોમાં સંચાલિત સ્ટાર્ટઅપ્સ ફંડિંગ માટે અરજી કરી શકે છે. કંપની પાસે તેના સ્ટાર્ટઅપ્સ કાર્યક્રમ માટે  રૂ.500 કરોડનું ભંડોળ છે.

‘ગેઇલ પંખ- GAIL Pankh’ કંપનીની સંશોધન, ભાગીદારી અને અર્થપૂર્ણ સામાજિક જોડાણ દ્વારા શ્રેષ્ઠતા લાવવા માટેની પ્રતિબદ્ધતાને દર્શાવે છે. આ પહેલ 2017 માં લોન્ચ કરવામાં આવી હતી, અને આજ સુધીમાં કંપની નવ રાઉન્ડમાં સ્ટાર્ટઅપ્સ માટે મૂડીરોકાણના પ્રસ્તાવો આમંત્રિત કરી ચૂકી છે.

હાલમાં જ કંપનીને સ્ટાર્ટઅપ્સમાં મૂડીરોકાણ માટે સારી કામગીરી બદલ 11મો PSU એવોર્ડની શ્રેણીમાં પ્રતિષ્ઠિત ‘સ્ટાર્અપ્સ એક્સલન્સ એવોર્ડ’ મળ્યો હતો. આ એવોર્ડ કંપની દ્વારા સ્ટાર્ટઅપ્સને અપાતા મૂડીરોકાણ માટેના ટેકાને અને મૂડીરોકાણની પ્રતિબદ્ધતાને માન્યતા આપે છે.