ફ્રાંસ પેલેસ્ટિનને રાષ્ટ્રની માન્યતા આપશે, ઈઝરાયલ નારાજ

નવી દિલ્હીઃ ફ્રાંસે એક મોટું પગલું ભરતાં જાહેરાત કરી છે કે તે પેલેસ્ટિનને અલગ દેશ તરીકે માન્યતા આપશે. એવું કરનાર ફ્રાંસ પ્રથમ G-7 દેશ બનશે. પેલેસ્ટિન તરફથી ફ્રાંસના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોનના આ નિર્ણયનું સ્વાગત કરવામાં આવ્યું છે, જ્યારે ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતાન્યાહુ આ પગલાથી ભારે નારાજ થયા છે.

રાષ્ટ્રપતિ મેક્રોએ સોશિયલ મિડિયા X પર પોસ્ટ કરી આ માહિતી આપતાં જણાવ્યું હતું કે તે સપ્ટેમ્બરમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં આ નિર્ણયને અમલમાં મૂકે છે. તેમણે લખ્યું હતું કે હાલની સૌથી મોટી જરૂરિયાત એ છે કે ગાઝામાં યુદ્ધ રોકવામાં આવે અને લોકોનું રક્ષણ થાય.

મેક્રોએ X પર લખ્યું હતું કે અમે તરત જ યુદ્ધવિરામ (Ceasefire), તમામ બંદીઓને મુક્ત કરવાની અને ગાઝાની જનતા માટે વિશાળ માનવતાવાદી મદદની જરૂર છે. આપણે હમાસને નિશસ્ત્ર (Demilitarize) કરવો પડશે, ગાઝાને સલામત અને ફરીથી બાંધવો પડશે અને પેલેસ્ટિનિયનો એક સ્વતંત્ર દેશ બનાવવો પડશે.

ઓક્ટોબર, 2023થી પેલેસ્ટિનના સંગઠન હમાસ અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. જેમાં હજારોથી વધુ લોકોનાં મોત થયાં છે. ઇઝરાયલની સરકાર લાંબા સમયથી પેલેસ્ટિનને અલગ દેશ તરીકે માન્યતા આપવા વિરોધ કરતી રહી છે.ફ્રાંસના આ પગલાથી ઇઝરાયલ પર રાજકીય દબાણ વધી ગયું છે. અત્યાર સુધી 140થી વધુ દેશો પેલેસ્ટિનને અલગ દેશ તરીકે માન્યતા આપી ચૂક્યા છે, જેમાં યુરોપના પણ એક ડઝનથી વધુ દેશો સામેલ છે.

ઇઝરાયલના PM બેન્જામિન નેતાન્યાહુએ કહ્યું હતું કે ઇઝરાયલ રાષ્ટ્રપતિ મેક્રોનના આ નિર્ણયની ઘોર નિંદા કરે છે. આ પગલું આતંકને પ્રોત્સાહન આપે છે અને તે ઇરાનના વધુ એક સાથીદારોને (proxy) ઊભા કરવા જેવી સ્થિતિ ઊભી કરી શકે છે, જેમ કે ગાઝા બન્યું હતું.