દયાળપુરમાં ચાર માળની ઇમારત ધ્વસ્તઃ ચારનાં મોત, 25 ઘાયલ

નવી દિલ્હીઃ ઉત્તર-પૂર્વ દિલ્હીના દયાલપુરમાં આવેલી એક ચાર માળની ઇમારત ધરાશાયી થતાં આ વિસ્તારમાં ખળભળાટ મચી ગયો હતો. આ દુર્ઘટનામાં ચાર લોકોનાં મોત થયાં હતાં, જ્યારે હજુ પણ 25થી વધુ લોકો કાટમાળ નીચે દટાયેલા હોવાની આશંકા છે.

આ દુર્ઘટના રાત્રે ત્રણ વાગ્યાની આજુબાજુ સર્જાઈ હતી. શક્તિ વિહાર વિસ્તારમાં આ ઈમારત પત્તાંના મહેલની જેમ ધરાશાયી થયાની માહિતી મળી રહી છે. આ ઘટનાની જાણ થતાં એડિશનલ DCP સંદીપ લાંબા ઘટનાસ્થળે ધસી ગયા હતા. તેમણે જણાવ્યું હતું કે આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં કુલ ચાર લોકો જીવ ગુમાવી ચૂક્યા છે.

10થી વધુ લોકોને બચાવાયા છે જ્યારે અન્ય 20થી વધુ લોકો હજુ પણ કાટમાળ નીચે દટાયેલા હોવાની આશંકા છે.NDRF, ડોગ સ્કવોડ અને દિલ્હી પોલીસ તથા ફાયર વિભાગની ટીમને રાહત બચાવની કામગીરી માટે તહેનાત કરી દેવામાં આવી રહી છે. રેસ્ક્યુ ઓપરેશનમાં સ્થાનિક નાગરિકો પણ મદદ માટે આગળ આવ્યા છે.

ઘણી મહિલાઓએ જણાવ્યું હતું કે સવારે ધરાશાયી થયેલી ચાર માળની ઇમારત 22 વર્ષ જૂની હતી. તેમાં તેમનો આખો પરિવાર બાળકો સહિત રહેતો હતો. પરિવારના સભ્યો ઉપરાંત ઘણા ભાડૂતો પણ ત્યાં રહેતા હતા. હાલ સૌ પોતાની નજીકના લોકોને શોધી રહ્યા છે અને રડી-રડીને તેમની હાલત ખરાબ થઈ ગઈ છે. સ્થાનિક લોકો કહે છે કે જ્યારે આ દુર્ઘટના બની ત્યારે સ્થાનિક લોકોને લાગ્યું કે ભૂકંપ આવ્યો છે, પરંતુ બહાર નીકળી જોયું તોકે આખી ઇમારત જ જમીનદોસ્ત થઈ ગઈ હતી.