બેંગલુરુઃ કર્ણાટકની કોંગ્રેસ સરકારે મુસ્લિમ કોન્ટ્રાક્ટર્સને સરકારી ટેન્ડરમાં ચાર ટકા અનામત આપવાનો નિર્ણય લીધો છે. સિદ્ધારમૈયા સરકારે કર્ણાટક પબ્લિક પ્રોક્યોરમેન્ટ એક્ટ, 1999માં સંશોધનને મંજૂરી આપી દીધી છે. ટેન્ડરની મહત્તમ સીમા બે કરોડ રૂપિયા રાખવામાં આવી છે.
આ ફેરફારનું બિલ વિધાનસભામાં આ બજેટ સત્રમાં જ લાવવામાં આવશે. વિધાનસભામાંથી પસાર થયા બાદ કર્ણાટકના સરકારી ટેન્ડરમાં મુસ્લિમોને ચાર ટકા અનામત આપવાનો રસ્તો સાફ થઈ જશે.
ભાજપે કર્યો વિરોધ
કોંગ્રેસ સરકારના આ નિર્ણય પર ભાજપ પ્રહાર કરી રહ્યું છે. કર્ણાટક સરકારના આ નિર્ણય પર રવિશંકર પ્રસાદે કહ્યું હતું કે ભાજપ એની વિરુદ્ધ છે. સરકારી કોન્ટ્રેક્ટ્સમાં અનામત સંપૂર્ણપણે ગેરબંધારણીય છે. ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા શહેઝાદ પૂનાવાલાએ કર્ણાટક કેબિનેટના આ નિર્ણયની ટીકા કરતાં કહ્યું હતું કે કોંગ્રેસ પાર્ટીએ દરેક સ્તર પર તુષ્ટિકરણના રાજકારણને અપનાવ્યું છે. જે લોકો બંધારણની વાત કરે છે, તે આંબેડકરની વિરુદ્ધ જઈને ધર્મને આધારે આરક્ષણ આપી રહ્યા છે. પહેલાં એવું માનવામાં આવતું હતું કે સક્ષમ કોન્ટ્રેક્ટર પૂલ બનાવશે, પરંતુ હવે લોકોને એવું જોવું પડશે કે આ પૂલ કયા ધર્મની વ્યક્તિએ બનાવ્યો છે. આ કોંગ્રેસની મુસ્લિમ લીગ-જિન્ના માનસિકતા દર્શાવે છે. હવે શું કોન્ટ્રેક્ટ પણ ધર્મને આધારે આપવામાં આવશે?
ભાજપ નેતા રવિશંકરે કહ્યું હતું કે કોંગ્રેસની કર્ણાટક સરકારે પોતાના બજેટમાં સાર્વજનિક રૂપે જાહેરાત કરી છે કે સરકારી ટેન્ડરોમાં ચાર ટકા મુસ્લિમોની અનામત હશે. અત્યાર સુધી આપણે નોકરીઓમાં અનામત વિશે સાંભળ્યું છે, હવે તે મુસ્લિમો માટે સરકારી ટેન્ડર અનામત કરી રહ્યા છે. આ તુષ્ટીકરણની પરાકાષ્ઠા છે.
આ પહેલાં 7 માર્ચે કર્ણાટક સરકારનું બજેટ રજૂ કરતાં CM સિદ્ધારમૈયાએ પુષ્ટિ કરી હતી કે સાર્વજનિક નિર્માણ કાર્યોના કોન્ટ્રેક્ટમાં ચાર ટકા હવે મુસ્લિમો માટે શ્રેણી-II બી હેઠળ અનામત રાખવામાં આવશે.
