અંકલેશ્વર GIDCમાં મોટી દુર્ઘટના, કંપનીમાં બ્લાસ્ટ થતાં 4ના મોત

ભરૂચ: જિલ્લામાં આવેલ અંકલેશ્વર GIDCમાં ફરી એકવાર મોટી  ઔદ્યોગિક દુર્ઘટના સર્જાઈ છે. જેમાં ચાર લોકોનાં મોત થયા હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. માહિતી અનુસાર ડેટોક્સ ઈન્ડિયા કંપનીમાં રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ભયાનક બ્લાસ્ટ થયો હતો. આ ઘટનામાં ચાર લોકોનાં મોત થયા હોવાનો અહેવાલ સામે આવ્યો છે.  પોલીસ અને ફેક્ટરી ઈન્સપેક્ટરની ટીમે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. ડેટોક્સ ઈન્ડિયા કંપનીમાં રાસાયણિક પ્રક્રિયા દરમિયાન જ સ્ટીમ પ્રેશર પાઈપ ફાટી હતી. જેના કારણે નજીકમાં કામ કરી રહેલા કર્મચારીઓને ગંભીર ઈજા થતા તેમનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. ઘટના બાદ ફેક્ટરી ઈન્સપેક્ટરની ટીમે પણ સ્થળ પર પહોંચી બ્લાસ્ટના કારણ અંગે તપાસ શરૂ કરી છે.

અંકલેશ્વર GIDCમાં આવેલી ડેટોક્સ ઇન્ડિયા કંપની ઈન્ડસ્ટ્રિયલ વેસ્ટના નિકાલનું કામ કરે છે. આ દુર્ઘટના બાદ ફરી એકવાર ઔદ્યોગિક એકમોમાં સુરક્ષાને લઈને સવાલો ઉભા થઈ રહ્યા છે. બીજી તરફ ડેટોક્સ કંપનીમાં બ્લાસ્ટની ધટના બાદ કામદારો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે.