ગાંધીનગર: જામનગર સ્થિત આયુર્વેદ શિક્ષણ અને અનુસંધાન સંસ્થાન (ઇટ્રા)નો 15મી ઓક્ટોબરના રોજ ચોથો સ્થાપના દિવસ છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ગત 15મી ઓક્ટોબર, 2020ના રોજ સંસદમાં એકટ પસાર કરી દેશનું સૌપ્રથમ અને એક માત્ર રાષ્ટ્રીય મહત્વનો દરજ્જો ધરાવતું આ સંસ્થાન અસ્તિત્વમાં લાવવામાં આવ્યું હતું. ઇટ્રા ખાતે આયુર્વેદ ક્ષેત્રમાં ભાવી માર્ગોને ઉજાગર કરવાના હેતુથી એક દિવસીય પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હાલાર લોકસભાના સાંસદ પૂનમ માડમના મુખ્ય અતિથી સ્થાને હાજર રહ્યા હતા. આ પરિસંવાદમાં એન.સી.આઇ.એસ.એમ.ના ચેરમેન વૈદ્ય જયંત દેવપૂજારી અને ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના કુલપતિ વૈદ્ય મુકુલ પટેલ પણ વિશેષ મહેમાન તરીકે જોડાયા હતા. આઇ.ટી.આર.એ.ના પ્રભારી નિયામક બી.જે. પાટગીરી દ્વારા આ સમગ્ર કાર્યક્રમની પરિકલ્પના તૈયાર કરવામાં આવી હતી.આ પરિસંવાદમાં આયુર્વેદ ક્ષેત્રના વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે દિવસભરમાં પાંચ તબક્કામાં વિવિધ સેમિનાર યોજાયા હતા. યોજાયેલા વિવિધ વક્તવ્યોમાં વક્તા તરીકે એન.સી.આઇ.એસ.એમ.ના ચેરમેન વૈદ્ય જયંત દેવપૂજારી દ્વારા રાષ્ટ્રીય પરિસ્થિતિમાં આયુર્વેદ સ્નાતકો માટે શૈક્ષણિક અને અન્ય વ્યાવસાયિક તકો બાબતે વક્તવ્ય આપવામાં આવ્યું હતું. બીજા તબક્કામાં મુંબઇ સ્થિત એમોર હેલ્થ એસેન્સિયલ્સના નિયમક ડૉ. વિજયસિંઘ ચૌહાણ દ્વારા આયુર્વેદ ક્ષેત્રમાં આન્ત્રપ્રેનિયોરશીપ વિષે માહિતી આપવામાં આવી હતી. ત્રીજા તબક્કામાં અમેરિકાની આંતરરાષ્ટ્રીય વેદિક વેલનેસ યુનિવર્સિટીના કુલપતિ પ્રો. અભિમન્યુ કુમાર દ્વારા આયુર્વેદ નિષ્ણાતો માટે વૈશ્વિક પરિપેક્ષ્યમાં આંતરરાષ્ટ્રીય કારકિર્દીનો અવકાશ- વિષય પર ચર્ચા કરવામાં આવી. ચોથા તબક્કામાં સી.સી.આર.એ.એસ.ના ડાયરેક્ટર જનરલ પ્રો. આર. એન. આચાર્ય દ્વારા સંશોધન ક્ષેત્રમાં કારકિર્દીના વિકલ્પો વિશે માહિતી આપવામાં આવી હતી. જ્યારે પાંચમા તબક્કામાં સી.સી.આર.એ.એસ.એન.આઇ.એમ.એચ.ના સંશોધન અધિકારી ડો. સાકેત રામ થ્રિગુલ્લા દ્વારા આરોગ્ય સંભાળ સેવાઓમાં આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સિ: અવકાશ અને પડકારો વિષય પર માહિતી આપવામાં આવી હતી.સ્થાપના દિવસના આ પરિસંવાદમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, શિક્ષકો અને આયુર્વેદ તબીબો જોડાયા હતા. છેલ્લાં દાયકામાં આર્યુવેદ દેશની સીમાઓ વટાવી વિશ્વભરના દેશો સુધી પહોંચ્યું છે. ત્યારે આ પ્રકારના કાર્યક્રમો એ આયુર્વેદ ક્ષેત્રના સૌ કોઇ માટે નવી માહિતી પહોંચાડે છે.