બાંગ્લાદેશનાં ભૂતપૂર્વ PM શેખ હસીનાને 21 વર્ષની સજા

ઢાકાઃ બાંગ્લાદેશમાં ભૂતપૂર્વ વડા પ્રધાન શેખ હસીનાની મુશ્કેલીઓ સતત વધી રહી છે. ઢાકાની એક કોર્ટે ગુરુવારે ભ્રષ્ટાચારના ત્રણ મામલાઓમાં તેમને 21 વર્ષની સજા સંભળાવી. બાંગ્લાદેશની સરકારી ન્યૂઝ એજન્સી BSS મુજબ જમીનના પ્લોટના ફાળવણીમાં થયેલી અનિયમિતતાઓને લઈ હસીના સામે ત્રણ કેસ દાખલ કરવામાં આવ્યા હતા. આ કેસો પુરબાચલના રાજુક ન્યૂ ટાઉન પ્રોજેક્ટ સાથે જોડાયેલા છે. ન્યાયાધીશે તેમની ગેરહાજરીમાં તેમને દોષી ઠેરવી સજા ફટકારી હતી.

હસીનાને દરેક કેસમાં સાત વર્ષની સજા સંભળાવવામાં આવી, જે મળી કુલ 21 વર્ષની કેદની સજા થાય છે. કોર્ટે ચુકાદામાં કહ્યું હતું કે જમીનના પ્લોટ શેખ હસીનાને કોઈ અરજી વગર અને ગેરકાયદે રીતે ફાળવવામાં આવ્યા હતા.

માનવતા વિરોધી ગુનાઓ માટે મૃત્યુદંડ

બાંગ્લાદેશનાં હટાવવામાં આવેલા વડા પ્રધાન શેખ હસીના અને એ સમયેના ગૃહમંત્રી અસદુજ્જમાને ગયા વર્ષના જુલાઈમાં તેમની સરકાર સામે થયેલા વ્યાપક વિરોધ પ્રદર્શનો દરમિયાન કરવામાં આવેલા ‘માનવતા વિરોધી ગુનાઓ’ બદલ 17 નવેમ્બરે એક વિશેષ ટ્રિબ્યુનલ દ્વારા ગેરહાજરીમાં જ મોતની સજા સંભળાવવામાં આવી હતી. મહિનાઓ સુધી ચાલેલા કેસ બાદ પોતાના ચુકાદામાં બાંગ્લાદેશના આંતરરાષ્ટ્રીય અપરાધ ટ્રિબ્યુનલ (ICT) એ 78 વર્ષીય અવામી લીગ નેતાને હિંસક દમનનો માસ્ટરમાઈન્ડ અને મુખ્ય સૂત્રધાર ગણાવ્યા હતા, જેમાં સેંકડો પ્રદર્શનકારીઓનાં મોત થયાં હતાં.

હસીના હાલમાં ભારતમાં છે, જ્યારે એવું માનવામાં આવે છે કે કમાલ પણ ભારતમાં જ છુપાયેલો છે. પોતાના સત્તાવાર સોશિયલ મિડિયા અકાઉન્ટ પર અવામી લીગે આરોપ લગાવ્યો કે આ ચુકાદો મોહમ્મદ યુનુસની આગેવાની હેઠળની આંતરિક સરકારનું રાજકીય ષડયંત્ર છે, જેથી હસીના અને તેમની પાર્ટીને આવતા વર્ષ ફેબ્રુઆરીમાં થનારા ચૂંટણીમાંથી દૂર રાખી શકાય. અવામી લીગે ICT ટ્રિબ્યુનલને ગેરકાયદે ઠરાવતાં તેના નિર્ણયને ફગાવવાનો અને યુનુસના રાજીનામાની માગ કરતાં 30 નવેમ્બર સુધી તમામ જિલ્લામાં અને ઉપજિલ્લામાં વિરોધ અને પ્રતિરોધ માર્ચ યોજવાની જાહેરાત કરી.