વિદેશ નીતિ નિષ્ફળ?: કોંગ્રેસે સાધ્યું PM મોદી પર નિશાન

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ વચ્ચે ફોન પર થયેલી વાતચીતને લઈને કોંગ્રેસ સાંસદ જયરામ રમેશે સવાલો ઊભા કર્યા છે. તેમણે કહ્યું હતું કે ભારતની વિદેશ નીતિ અને કૂટનીતિને મળેલા ‘ટ્રિપલ આંચકા’ને સમજવાની જરૂર છે. G-7 સમિટમાં ભાગ લેવા માટે કેનેડા ગયેલા પીએમ મોદી અને રાષ્ટ્રપતિ ટ્રંપ વચ્ચે લગભગ 35 મિનિટ સુધી ફોન પર વાત થઈ હતી. આ માહિતી વિદેશ સચિવ વિક્રમ મિસ્રીએ આપી હતી.

ભારતીય કૂટનીતિ માટે આંચકો

મિસ્રીના નિવેદન પર પ્રતિસાદ આપતાં કોંગ્રેસના નેતા જયરામ રમેશે કહ્યું હતું કે ભારતની વિદેશ નીતિ અને કૂટનીતિને મળેલા ટ્રિપલ આંચકાને સમજવા જોઈએ. પ્રથમ, પાકિસ્તાનના ફીલ્ડ માર્શલ અસીમ મુનિર જેમણે ઉશ્કેરણીજનક નિવેદનો આપ્યાં છે અને જેઓ પહેલગામ હુમલાઓ સાથે જોડાયેલા છે, તેમને આજે ટ્રંપ સાથે લંચ માટે આમંત્રિત કરવામાં આવ્યા છે. ભારત હવે સુધી આ બાબત પર મૌન છે અને અમેરિકા તરફથી આમંત્રણ મળવા છતાં કોઈ પણ વિરોધ વ્યક્ત કર્યો નથી.

તેમણે આગળ કહ્યું હતું  કે બીજું, અમેરિકન સેન્ટ્રલ કમાન્ડના વડા જનરલ માઇકલ કુરિલ્લા જણાવે છે કે પાકિસ્તાન આતંકવાદ સામેની લડતમાં શ્રેષ્ઠ ભાગીદાર છે. જ્યારે ભારતનો સ્પષ્ટ મત છે કે પાકિસ્તાન આતંકવાદ પ્રોત્સાહન આપતો દેશ છે અને તેના પર નિયંત્રણ હોવો જોઈએ.

“અને ત્રીજું, 10 મેથી આજ સુધી રાષ્ટ્રપતિ ટ્રંપ 14 વાર એવો દાવો કરી ચૂક્યા છે કે તેમણે ભારત-પાકિસ્તાન વચ્ચે સીઝફાયર માટે દખલઅંદાજી (મધ્યસ્થતા) કરી છે. ટ્રંપે વેપારને એક સાધન તરીકે ઉપયોગમાં લીધો છે અને ભારત તથા પાકિસ્તાન બંનેને સમાન પદવીમાં મૂક્યા છે. છતાં PM મોદી ચૂપ રહ્યા છે.

 સરકાર સંસદનું વિશેષ સત્ર બોલાવે, આવતી કાલે સર્વદલીય બેઠક બોલાવવી જોઈએ અને ટ્રંપ સાથે શી વાતચીત થઈ તે બધું જણાવે.. આખો વિપક્ષ સંસદમાં ચર્ચા ઈચ્છે છે. અમે રચનાત્મક ચર્ચા ઈચ્છીએ છીએ. અમે સર્વપક્ષી એકતા ઈચ્છીએ છીએ.