ફિચે ભારતના વિકાસદરનો અંદાજ વધારીને 6.9 ટકા કર્યો

નવી દિલ્હીઃ ફિચ રેટિંગ્સે મજબૂત સ્થાનિક માગ અને અનુકૂળ નાણાકીય પરિસ્થિતિઓનો હવાલો આપતાં નાણાકીય વર્ષ 2026 માટે ભારતના વિકાસના અંદાજને 6.5 ટકા પરથી વધારીને 6.9 ટકા કર્યો છે. આ બદલાવ પ્રથમ ત્રિમાસિક આંકડાઓ બાદ આવ્યો છે. આ આંકડાઓ દર્શાવે છે કે નાણાકીય વર્ષ 2026ની પ્રથમ ત્રિમાસિક ગાળામાં કુલ ઘરેલુ ઉત્પાદન (GDP)માં વાર્ષિક ધોરણે 7.8 ટકાનો વધારો થયો, જે ગયા ત્રિમાસિક ગાળામાં 7.4 ટકા હતો.

તાજા આંકડાઓ દર્શાવે છે કે પ્રથમ ત્રિમાસિક ગાળામાં સર્વિસિસ આઉટપુટમાં 9.3 ટકાનો વધારો નોંધાયો છે, જ્યારે અગાઉ આ આંકડો 6.8 ટકા હતો. પ્રાઈવેટ અને જાહેર વપરાશમાં વધારો થવાથી માગમાં તેજી જોવા મળી છે. એપ્રિલ-જૂન ત્રિમાસિક ગાળામાં ખાનગી વપરાશમાં સાત ટકાનો વધારો નોંધાયો છે.

રેટિંગ એજન્સીએ અમેરિકા સાથે વધતા વેપાર તણાવથી ઊભા થતા જોખમોની તરફ પણ ઈશારો કર્યો છે. ઓગસ્ટમાં અમેરિકાએ ભારતમાંથી થતા આયાત પર 25 ટકા વધારાનો શુલ્ક લગાવ્યો છે. જોકે ફિચને આશા છે કે અંતે ચર્ચા દ્વારા શૂલ્કમાં ઘટાડો કરવામાં આવશે, પરંતુ એજન્સીએ ચેતવણી આપી છે કે શૂલ્કને કારણે ઊભી થયેલી અનિશ્ચિતતાને કારણે મૂડીરોકાણના સેન્ટિમેન્ટ પર નકારાત્મક અસર પડે એવી શક્યતા છે.

અહેવાલ PMI સર્વે અને જુલાઈના ઔદ્યોગિક ઉત્પાદનના આંકડાઓ અર્થતંત્રમાં મજબૂતીના સંકેત આપે છે. આ ઉપરાંત, સપ્ટેમ્બરથી અમલમાં આવેલા તાજેતરના GST સુધારાઓને કારણે પણ નાણાકીય વર્ષ 2026માં વપરાશમાં વધારો થવાની અપેક્ષા છે.

ફિચનો અંદાજ છે કે ભારતનો વિકાસદર નાણાકીય વર્ષ 2027માં ઘટીને 6.3 ટકા અને નાણાકીય વર્ષ 2028માં 6.2 ટકા પર રહી શકે છે. ફિચે જણાવ્યું છે કે સ્થાનિક માગ અર્થતંત્ર માટે મુખ્ય વૃદ્ધિ ડ્રાઈવર બની રહેશે. એજન્સીએ એ પણ કહ્યું છે કે નાણાકીય વર્ષ 2026ની શરૂઆતથી આવેલી મજબૂત વૃદ્ધિ વર્ષની બીજી છમાસિક સુધી ટકી રહે તેવી શક્યતા નથી.