અમદાવાદ: ધી ઇન્ટરનેશનલ કાઉન્સિલ ફોર એજ્યુકેશન ઓફ પીપલ વીથ વિઝ્યુઅલ ઇમ્પેયરમેન્ટ દ્વારા તેની વિશ્વ પરિષદ અને જનરલ એસેમ્બલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ પરિષદ 14થી 17 નવેમ્બરના રોજ શહેરની આંબેડકર યુનિવર્સિટી ખાતે આયોજીત થઈ રહી છે. જેના પ્રથમ દિવસે વિવિધ દેશોમાંથી આવેલા મહેમાનોનું નેત્રહિન વિદ્યાર્થિનીઓ દ્વારા ફૂલ આપી, નેત્રહિનોના બેન્ડ તથા પરંપરાગત આવકાર નૃત્ય દ્વારા સ્વાગત કરવામાં આવ્યું. ઉદ્દઘાટન પ્રસંગે મુખ્ય વક્તા તરીકે એન્ટિગુઆના એમ્બેસેડર ડૉ. ઓબ્રે વેબસને પ્રારંભિક હસ્તક્ષેપ, સમાવિષ્ટ વાતાવરણ, ઇક્વિટીના પ્રમોશન, સુલભતા, સર્વસમાવેશક વાતાવરણ અને દૃષ્ટિની ક્ષતિવાળા તમામ બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રદાન કરવાની ખાતરી કરવા માટે સહયોગના મહત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે શિક્ષણ ક્ષેત્રે કાયદા, સુલભ ટેકનોલોજીની ભૂમિકા પણ સમજાવી.ડેફબ્લાઇન્ડ ઇન્ટરનેશનલના પ્રમુખ મિસ્ટર મિર્કો બૌરએ માનવતાવાદની વિભાવના સમજાવી. આપણે મનુષ્યની વિવિધતાને સ્વીકારવાની જરૂર છે તેમ જણાવ્યું.
વર્લ્ડ બ્લાઇન્ડ યુનિયનના પ્રમુખ માર્ટિન એબલ-વિલિયમ્સને દૃષ્ટિની ક્ષતિ ધરાવતા લોકોને સશક્ત બનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે.વિકલાંગ વ્યક્તિઓના સશક્તિકરણ વિભાગના સચિવ રાજેશ અગ્રવાલે વિવિધ નવીન પગલાં લઇને સર્વસમાવેશક વિકાસને પ્રોત્સાહન આપવામાં તેમના વિભાગની ભૂમિકા સમજાવી.ઝિમ્બાબ્વેના ડેપ્યુટી મિનિસ્ટર મર્સી એમ દીન્હાએ પણ સર્વસમાવેશક વિકાસની વિભાવનાને ટેકો આપ્યો હતો અને કોઈપણ પાછળ નહીં રહે તેવા સૂત્રને સમર્થન આપ્યું હતું.ડૉ. બાબા સાહેબ ઓપન યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડો. અમી ઉપાધ્યાયએ સર્વસમાવેશક શિક્ષણના પ્રોત્સાહનમાં યુનિવર્સિટીઓની ભૂમિકા પર ભાર મૂક્યો હતો. તેમણે શિક્ષણના તમામ સ્તરે સમાવેશને પ્રોત્સાહન આપવા માટે શિક્ષણ પરની રાષ્ટ્રીય નીતિ 2020ની ભૂમિકા સમજાવી.યજમાન સમિતિના અધ્યક્ષ ડો. ભૂષણ પુનાનીએ જણાવ્યું કે ICEVI ભારતમાં તેની વિશ્વ પરિષદનું આયોજન કરી રહ્યું છે ત્યારે આ અનોખી કોન્ફરન્સમાં 60 દેશોમાંથી 410 પ્રતિભાગીઓ ભાગ લઈ રહ્યા છે તે ખુશીની વાત છે. આ પ્રથમ વખત છે જ્યારે ICEVI, વર્લ્ડ બ્લાઇન્ડ યુનિયન, ડેફબ્લાઇન્ડ ઇન્ટરનેશનલ, પર્કિન્સ ઇન્ટરનેશનલ અને સેન્સ ઇન્ટરનેશનલ અને સાઇટ સેવર્સ એક સાથે આવ્યા છે.