મહિલા ક્રિકેટ ટીમને ચેમ્પિયન બનાવનારા અમોલ મજૂમદાર કોણ છે?

નવી મુંબઈ: 2જી નવેમ્બર, 2025નો દિવસ ભારતીય મહિલા ક્રિકેટ ટીમના ઈતિહાસમાં સુર્વણ અક્ષરે લખાઈ ગયો. ભારતીય મહિલા ખેલાડીઓએ આ દિવસે વિશ્વ વિજેતા બનીને સમગ્ર દુનિયામાં પોતાનો ડંકો વગાડી દીધો છે.  હરમનપ્રીત કૌરની આગેવાની હેઠળ ભારતીય મહિલા ક્રિકેટ ટીમ પહેલીવાર વિશ્વ વિજેતા બની… બે વખત ફાઇનલમાં પહોંચીને અધૂરું રહેલું સપનું આખરે પૂર્ણ થયું. આ જીતનો શ્રેય કેપ્ટન અને સમગ્ર ટીમને તો જાય જ છે, સાથે-સાથે કોચ અમોલ મજૂમદારને પણ એટલો જ જાય છે. કોચ અમોલ મજૂમદાર ક્યારેય ભારત ટીમ માટે રમી શક્યા નથી, છતાં ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 11 હજારથી વધુ રન પૂર્ણ કર્યા છે. તેમણે મહિલા ટીમને વર્લ્ડ ચેમ્પિયન બનાવીને ક્રિકેટના ઈતિહાસમાં તેમનું નામ નોંધાવી દીધું છે.

હરમનપ્રીત કોચના પગે લાગી

મહિલા વિશ્વ કપની ફાઇનલમાં દક્ષિણ આફ્રિકાને 52 રને હરાવીને ભારતીય ટીમ પ્રથમ વખત વિશ્વ વિજેતા બની. જીતનો ઝંડો લહેરાવ્યા બાદ કેપ્ટન હરમનપ્રીત કૌર કોચ અમોલ મજૂમદારના પગે લાગી અને આશીર્વાદ લીધા. તેમણે એ વ્યક્તિને પ્રણામ કર્યા, જે પડદા પાછળ રહીને ટીમને ઘડી રહ્યા હતા.

કોણ છે અમોલ મજૂમદાર?

અમોલ મજૂમદારે બે દાયકા સુધી ઘરેલુ ક્રિકેટમાં બેટિંગનો જલવો દેખાડ્યો છે. જેમાં તેમના નામે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 11,167 રન નોંધાયેલા છે. તેઓ સચિન તેંડુલકર અને વિનોદ કાંબલી જેવા દિગ્ગજો સાથે રમ્યા હતા.અમોલ મજૂમદાર 1994માં ભારતની અંડર-19 ટીમના વાઈસ કેપ્ટન અને ઇન્ડિયા ‘એ’ માટે રાહુલ દ્રવિડ-સૌરવ ગાંગુલી સાથે પણ રમ્યા. 1993માં મુંબઈ માટે પોતાની રણજી ડેબ્યૂ મેચમાં 260 રનની શાનદાર ઇનિંગ્સ (જે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટની ડેબ્યૂ મેચમાં કોઈ ભારતીયનો સર્વોચ્ચ સ્કોર હતો) રમી હોવા છતાં, તેમને ક્યારેય ટીમ ઇન્ડિયાનું પ્રતિનિધિત્વ કરવાની તક મળી નહીં. 2006માં તેમણે મુંબઈની ટીમને રણજી ટ્રોફી જિતાડી. આ જ દરમિયાન તેમણે એક યુવા ખેલાડી રોહિત શર્માને પહેલીવાર ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં તક આપી હતી.

તેના માટેનું એક સંભવિત કારણ એ હતું કે, તે સમયે ભારતનો મિડલ ઓર્ડર સચિન, દ્રવિડ, લક્ષ્મણ અને ગાંગુલી જેવા મહાન બેટ્સમેનોથી સજ્જ હતો. મજૂમદારે 2014માં સંન્યાસ લીધો, જેનાથી તેમની 21 વર્ષની ક્રિકેટ કારકિર્દીનો અંત આવ્યો.2014માં ક્રિકેટને અલવિદા કહ્યા પછી તેમણે કોચિંગનો રસ્તો પસંદ કર્યો. તેમણે નેધરલેન્ડ્સ, સાઉથ આફ્રિકા અને રાજસ્થાન રોયલ્સ જેવી ટીમ સાથે કામ કર્યું. તેમની ઓળખ એક એવા કોચ તરીકે બની જે ઓછું બોલે છે, પરંતુ ખૂબ ઊંડાણથી દરેક વસ્તુને સમજે છે.

2 વર્ષમાં સપનું સાકાર કર્યું

BCCIએ અમોલ મજૂમદારને ઓક્ટોબર 2023માં ભારતીય મહિલા ક્રિકેટ ટીમના કોચ તરીકે નિયુક્ત કર્યા. બે વર્ષમાં તેમણે ટીમને ઘડી, તેમનામાં એ વિશ્વાસ પેદા કર્યો કે તેઓ ICC ખિતાબનો દુષ્કાળ સમાપ્ત કરી શકે છે. 2005 અને 2017માં જે ન થઈ શક્યું, તે 2025માં થઈ શકે છે.

11 નવેમ્બરના રોજ અમોલ મજૂમદાર પોતાનો 51મો જન્મદિવસ ઉજવશે. ભારતીય ટીમ તરફથી તેમના માટે વિશ્વ કપની ટ્રોફી કરતાં બીજી કોઈ વધુ સારી ભેટ હોઈ શકે નહીં.

હરમનપ્રીત કૌરની બ્રિગેડની ઐતિહાસિક સફળતા બાદ તેમણે કહ્યું, ‘મારી પાસે શબ્દો નથી. આ ખૂબ જ ગર્વની ક્ષણ છે.  ટીમે સખત મહેનત અને વિશ્વાસથી દરેક ભારતીયને ગર્વની તક આપી છે… આ એક વોટરશેડ મોમેન્ટ છે.’