ભારત બંધમાં રસ્તાઓ પર આગના બનાવો, કેરળમાં દુકાનો-મોલ બંધ

નવી દિલ્હીઃ 10 મુખ્ય કેન્દ્રીય ટ્રેડ યુનિયનો અને ખેડૂત સંસ્થાઓના સંયુક્ત મંચે આજે રાષ્ટ્રવ્યાપી ‘ભારત બંધ’નું એલાન આપ્યું છે. આ ‘ ભારત બંધ’ કેન્દ્ર સરકારની “મજૂર વિરુદ્ધ, ખેડૂત વિરુદ્ધ અને રાષ્ટ્રવિરુદ્ધ કોર્પોરેટ સમર્થક નીતિઓ”ના વિરોધમાં છે. બેંકિંગ, પરિવહન, પોસ્ટ સેવાઓ, ખનિજ અને નિર્માણ જેવાં મહત્વપૂર્ણ ક્ષેત્રોના 25 કરોડથી વધુ શ્રમિકો અને ગ્રામીણ મજૂરો આજના ભારત બંધમાં ભાગ લે તેવી શક્યતા છે.

ભારત બંધ શા માટે છે?

ટ્રેડ યુનિયનોનું કહેવું છે કે સંસદે પસાર કરેલા ચાર નવા શ્રમ કાયદાઓ શ્રમિકોના અનેક અધિકારો છીનવી લે છે. જ્યારે સ્કૂલ, કોલેજ અને ખાનગી કચેરીઓ ખુલ્લી રહે તેવી શક્યતા છે, ત્યારે પરિવહન અને જાહેર સેવાઓમાં વિઘ્નો દૈનિક જીવનને અસર પહોંચાડી શકે છે. ટ્રેડ યુનિયનોનો દાવો છે કે આ કાયદાઓ હડતાળ પર જવાનું, વધુ સમય સુધી કામ કરવાની માગ અને શ્રમ નિયમોનું ઉલ્લંઘન થવા છતાં કર્મચારીઓનું રક્ષણ કરવું મુશ્કેલ બનાવે છે.

મંગળવારે મધ્ય રાત્રિથી શરૂ થયેલા આજના ભારત બંધને CPI (M) શાસિત રાજ્યમાં ટ્રેડ યુનિયનો અને વામપંથી ઝુકાવ ધરાવતાં સંગઠનો તરફથી મજબૂત ટેકો મળ્યો છે. કેરળમાં સંપૂર્ણ બંધ છે, દુકાનો, સંસ્થાઓ અને મોટા ભાગની સેવાઓ બંધ છે. રસ્તાઓ ખાલી રહ્યા, કેમ કે બસો ચાલતી નહોતી અને વિવિધ ક્ષેત્રોના કર્મચારીઓ સંયુક્ત રીતે પોતાનું કામ છોડીને એકતા દર્શાવી રહ્યા છે.

જાહેર મુશ્કેલીથી બચવા માટે આરોગ્ય સેવા, તાત્કાલિક સેવાઓ અને દૂધ સપ્લાય જેવી આવશ્યક સેવાઓને હડતાળમાંથી મુક્તિ આપવામાં આવી છે. કેન્દ્ર સરકાર પર “કોર્પોરેટ સમર્થક” નીતિઓ આગળ ધપાવવાનો આરોપ લગાવતાં 10 કેન્દ્રીય ટ્રેડ યુનિયનો દ્વારા બોલાવવામાં આવેલા ભારત બંધના સમર્થનમાં કોટ્ટાયમમાં દુકાનો અને શોપિંગ મોલ બંધ રહ્યા હતા.