લખનૌઃ ઉત્તર પ્રદેશના સહારનપુર જિલ્લામાં સમાજવાદી પાર્ટીના એક સ્થાનિક નેતા વિરુદ્ધ બાળકોને રાજકીય ABCD ભણાવવા અંગે FIR નોંધવામાં આવી છે. આ ઘટનાને લઈને રાજકીય ખળભળાટ મચી ગયો છે. SPના પ્રમુખ અખિલેશ યાદવે યોગી સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે ફરિયાદમાં આરોપ મુકાયો છે કે બાળકોને A ફોર અખિલેશ, B ફોર બાબાસાહેબ, D ફોર ડિમ્પલ અને M ફોર મુલાયમ સિંહ યાદવ ભણાવવામાં આવતું હતું.
SP સિટી વ્યોમ બિન્દલના જણાવ્યાનુસાર કલ્લરપુર ગુર્જર ગામના નિવાસી મેનસિંહે ફરિયાદ નોંધાવી હતી કે સ્થાનિક સમાજવાદી પાર્ટીના નેતા ફરહાદ આલમ ગાડા એક PDA પાઠશાળામાં બાળકોને રાજકીય ABCD ભણાવી રહ્યા હતા. આ મામલો ત્યારે બહાર આવ્યો જ્યારે ગાડાના રામનગર સ્થિત નિવાસે બનાવાયેલો એક વિડિયો સોશિયલ મિડિયામાં વાયરલ થયો હતો. આ વિડિયોમાં બાળકો સ્કૂલે યુનિફોર્મમાં જોવા મળ્યા હતા અને તેઓ ખાનગી શાળાના વિદ્યાર્થી હોવાનું માનવામાં આવે છે.
આ ઘટનાની પ્રતિક્રિયા આપતાં અખિલેશ યાદવે યોગી સરકાર પર નિશાન સાધ્યું. અખિલેશે સોશિયલ મિડિયા પ્લેટફોર્મ X પર લખ્યું હતું કે ભણતર માટે તો FIR અંગ્રેજોએ પણ ન નોંધાવી હતી. BJPનો શિક્ષણવિરોધી ચહેરો હવે જનતાને સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. હવે BJP હંમેશ માટે જશે. નિંદનીય.
पढ़ाई के लिए तो FIR अंग्रेजों तक ने नहीं की थी।
भाजपा का शिक्षा विरोधी चेहरा अब जनता के सामने उजागर हो गया है। अब भाजपा हमेशा के लिए जाएगी।
निंदनीय! pic.twitter.com/VzMAmf0ljm
— Akhilesh Yadav (@yadavakhilesh) August 3, 2025
સપા નેતાએ બચાવ કર્યો?
સ્થાનિક સપા નેતા ફરહાદ ગાડાએ પોતાના બચાવમાં દાવો કર્યો હતો કે PDA પાટશાળા માત્ર ABC શીખવવા માટે નથી, પણ બાળકોને સમાજવાદી વિચારધારાના મહાન હસ્તીઓ વિશે શિક્ષિત કરવાનો પણ ઉદ્દેશ છે. તેમણે આખા જિલ્લામાં આવી પાઠશાળાઓ શરૂ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.
આવા જ પ્રકારનો બીજો કેસ પણ સામે આવ્યો છે. સપાની નેતા રચના સિંહ ગૌતમ વિરુદ્ધ પણ FIR નોંધાઈ છે. તેઓ કાનપુરના બિલ્હૌર બ્લોકના શાહમપુર ગઢી ગામમાં સરકારી પ્રાથમિક શાળાની બહાર PDA પાઠશાળા ચલાવતા હતા.
