ગુજરાતમાં ઉચ્ચ શિક્ષણમાં મહિલાઓની ભાગીદારી વધી: અહેવાલ

ગાંધીનગર: રાજ્યમાં ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં નોંધાયેલી મહિલાઓની સંખ્યા 2023-24માં 8.82 લાખથી વધીને 2024-25માં 9.07 લાખ થઈ ગઈ છે. જે રાજ્યના ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રમાં મહિલા ભાગીદારીમાં સતત વધારો દર્શાવે છે. સામાજિક-આર્થિક સમીક્ષા 2025-26 અનુસાર, આ વધારો રાજ્યમાં શૈક્ષણિક સૂચકાંકોમાં વ્યાપક સુધારાનો ભાગ છે. જેમાં વધુ મહિલાઓ યુનિવર્સિટીઓ, કોલેજો અને ટેકનિકલ સંસ્થાઓમાં પ્રવેશ કરી રહી છે.

અહેવાલમાં જણાવાયું છે કે ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં મહિલા શિક્ષકોની સંખ્યા પણ 2023-24માં 31,259થી વધીને 2024-25માં 33,785 થઈ છે. ટેકનિકલ શિક્ષણ મેળવતી મહિલા વિદ્યાર્થીઓની સંખ્યામાં પણ ધીમેધીમે વધારો નોંધવામાં આવ્યો છે. તેમની નોંધણી 2022-23માં 24,732થી વધીને 2024-25માં 31,887 થઈ ગઈ. આ ડેટા દર વર્ષે 8 માર્ચે ઉજવાતા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પહેલા આવે છે.

મહિલા સશક્તિકરણમાં શિક્ષણનું મહત્વ ઘણીવાર “સા વિદ્યા યા વિમુક્તયે” વાક્યમાં પ્રતિબિંબિત થાય છે. જેનો અર્થ થાય છે જ્ઞાન એ છે જે તમામ બંધનોથી મુક્ત કરે છે. “પ્રાચીન કાળથી, મહિલાઓએ બૌદ્ધિક અને સામાજિક વિકાસમાં યોગદાન આપ્યું છે. ગાર્ગી, મૈત્રેયી અને લોપામુદ્રા જેવા ફિલોસોફરો ભારતીય દાર્શનિક પરંપરાઓમાં અગ્રણી વ્યક્તિઓ માનવામાં આવે છે,” અધિકારીઓએ જણાવ્યું.

તાજેતરના વર્ષોમાં, મહિલાઓ વૈજ્ઞાનિક અને તકનીકી ક્ષેત્રોમાં પણ વધુને વધુ દેખાઈ રહી છે. મહિલા વૈજ્ઞાનિકો અને ઇજનેરોએ ભારતીય અવકાશ સંશોધન સંગઠનના ચંદ્રયાન-3 મિશનમાં ભૂમિકા ભજવી હતી. લોન્ચ સમયે, ઇસરોના મિશન મોનિટરિંગ સેન્ટરમાં કામ કરતી મહિલાઓ અવકાશ ઇજનેરો અને વૈજ્ઞાનિકો તરીકે જવાબદારીઓ નિભાવતી જોવા મળી હતી. રાષ્ટ્રીય સ્તરે, ઓલ ઈન્ડિયા સર્વે ઓન હાયર એજ્યુકેશન (AISHE) 2021-22 ના અહેવાલ મુજબ ઉચ્ચ શિક્ષણમાં વિજ્ઞાન, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને ગણિત (STEM) વિષયોમાં કુલ નોંધણીમાં મહિલાઓનો હિસ્સો 43 ટકા છે. વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ દ્વારા પ્રકાશિત સંશોધન અને વિકાસ આંકડા અહેવાલ-2023 અનુસાર, દેશમાં સંશોધન અને વિકાસ પ્રવૃત્તિઓમાં STEM વ્યાવસાયિકો તરીકે રોકાયેલા કુલ કાર્યબળમાં મહિલાઓનો હિસ્સો 18.6 ટકા છે.

AISHE 2021-22ના સર્વેમાં ઉચ્ચ શિક્ષણમાં લિંગવાર નોંધણીની દ્રષ્ટિએ ગુજરાતને ભારતના ટોચના 10 રાજ્યોમાં સ્થાન આપવામાં આવ્યું છે. સર્વેમાં રાજ્યમાં અનુસ્નાતક સ્તરે 1,18,747 મહિલાઓ અને પીએચડી કાર્યક્રમોમાં 3,734 મહિલાઓ નોંધાઈ છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે મહિલા શિક્ષણ અને શૈક્ષણિક અને સંશોધન ક્ષેત્રોમાં ભાગીદારીને મજબૂત કરવાના પ્રયાસો રાજ્યમાં વ્યાપક સામાજિક અને આર્થિક વિકાસમાં ફાળો આપશે તેવી અપેક્ષા છે.