બુધ્ધ પૂર્ણિમા નિમિત્તે એક અનોખું પ્રદર્શન

અમદાવાદ: બુધ્ધ પૂર્ણિમા નિમિત્તે શહેરના સલાપાસ રોડ પર આવેલી જનરલ પોસ્ટ ઓફિસ ખાતે બે ફિલાટેલિસ્ટ દ્વારા ભગવાન બુદ્ધને લગતી ટપાલ ટિકિટોના સંગ્રહનું પ્રદર્શન ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. આ ફિલાટેલિક પ્રદર્શનમાં બૌદ્ધનો વારસો પ્રસ્તુત કરવામાં આવ્યો હતો. અમદાવાદ જનરલ પોસ્ટ ઓફિસના ડેપ્યુટી ચીફ પોસ્ટ માસ્તર અલ્પેશ શાહ ચિત્રલેખા.કોમને કહે છે, “ભગવાન બુદ્ધ પર આધારિત ખાસ ક્યુરેટેડ થીમ સાથે બુદ્ધ પૂર્ણિમા નિમિત્તે ફિલાટેલિક પ્રદર્શનનું આયોજન કરાવામાં આવ્યું છે. જેમાં જગદીશભાઈ પટેલ અને વિજયભાઈની ટિકિટોનું કલેક્શન મૂકવામાં આવ્યું છે. આ કાર્યક્રમ ફિલાટેલિસ્ટ્સ અને સ્ટેમ્પ ઉત્સાહીઓને એકસાથે લાવવાનો પ્રયાસ છે. જે સમુદાયની ભાવનાને પ્રોત્સાહન આપે છે, સાંસ્કૃતિક આદાનપ્રદાનને પ્રોત્સાહન આપે છે. બૌદ્ધ ધર્મના સમૃદ્ધ વારસા વિશે માહિતગાર કરે છે. બુધ્ધ પૂર્ણિમા નિમિત્તે યોજાયેલા આ કાર્યક્રમમાં સંઘમિત્ર બુદ્ધ વિહાર ઓઢવના મહાનુભાવો એ હાજરી આપી હતી. અમદાવાદની જનરલ પોસ્ટ ઓફિસ સ્ટેમ્પ ટિકિટોના પ્રદર્શન, સંગ્રહ દ્વારા સમાજ, સંસ્કૃતિને ફિલાટેલિસ્ટની સાથે લોકો જાણે એ માટે સતત કાર્યક્રમોનું આયોજન કરે છે. બુધ્ધ પૂર્ણિમા નિમિત્તે યોજાયેલા આ કાર્યક્રમમાં લોકોને જી.પી.ઓ ખાતે એક અનોખા પ્રદર્શન દ્વારા બૌદ્ધ ધર્મ સંસ્કૃતિ જોવા મળી હતી.

(પ્રજ્ઞેશ વ્યાસ-અમદાવાદ)