‘દંગલ’ ગર્લ ઝાયરા વસીમે ધર્મને કારણે ફિલ્મલાઈનને ‘ગુડ બાય’ કરી દીધું

મુંબઈ – ‘દંગલ’ ફિલ્મની અભિનેત્રી અને એ ફિલ્મ સાથે બોલીવૂડમાં પ્રવેશ કરનાર ઝાયરા વસીમે ફિલ્મોમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી દીધી છે. બોલીવૂડમાં એન્ટ્રી કર્યાના પાંચ વર્ષમાં જ ઝાયરાએ લીધેલા આ નિર્ણયને કારણે એનાં પ્રશંસકોને આંચકો લાગ્યો છે.

ધર્મને કારણે પોતે અભિનય ક્ષેત્રને છોડી રહી હોવાનું ઝાયરાએ જણાવ્યું છે. એણે ઈન્સ્ટાગ્રામ પર એક નિવેદનમાં આ જાણકારી આપી છે.

‘દંગલ ગર્લ’ તરીકે જાણીતી થયેલી અને તે ફિલ્મમાં કરેલા અભિનય બદલ રાષ્ટ્રીય પુરસ્કાર પણ જીતનાર ઝાયરાએ લખ્યું છે કે, હું આ લખી રહી છું અને એકરાર કરી રહી છું કે હું ઘણા સમયથી ડિપ્રેશનનો શિકાર બની છું.

ઝાયરાએ વધુમાં લખ્યું છે કે પાંચ વર્ષ પહેલાં પોતે લીધેલા નિર્ણયે એની જિંદગીને બદલી નાખી છે. એને ખ્યાતિ તથા લોકોનો પ્રેમ મળ્યો છે, પરંતુ એને આ બધું ક્યારેય જોઈતું નહોતું.

ઝાયરાએ લખ્યું છે કે હું ભલે આ ક્ષેત્રમાં ફિટ થઈ રહી છું, પરંતુ હું અહીંની નથી. આ મને મારાં ઈમાનથી દૂર કરે છે.

ઝાયરાએ 6-પાનાંના પત્રમાં જાણકારી સાથે ખુલાસો કર્યો છે. એમાં તેણે ઈસ્લામનાં પવિત્ર ગ્રંથ કુરાનનો પણ ઉલ્લેખ કર્યો છે.

એણે લખ્યું છે કે આ રસ્તો (ફિલ્મલાઈન) એને અલ્લાહથી દૂર કરી રહ્યો છે.

ઝાયરાની આ પોસ્ટ બાદ એનાં પ્રશંસકોએ પ્રત્યાઘાત વ્યક્ત કર્યાં છે. લોકોએ આંચકો અને આશ્ચર્યની લાગણી વ્યક્ત કરી છે. કેટલાક ચાહકોએ ઝાયરાનાં આ નિર્ણયને ટેકો આપી રહ્યાં છે તો કેટલાક ચાહકોનું કહેવું છે કે એણે આવું કરવું જોઈતું નહોતું.

ઝાયરાએ તાજેતરમાં પણ સોશિયલ મિડિયા પર એક પોસ્ટ શેર કરી હતી. એમાં તેણે પોતાનાં દિલની વાતો લખી હતી. એણે કહ્યું છે કે ફિલ્મોને કારણે પોતે ધર્મથી દૂર થઈ રહી છે. ફિલ્મલાઈનમાં પ્રવેશ્યાનાં પાંચ વર્ષમાં પોતે પોતાની આત્માથી લડી રહી છે. ‘મેં બોલીવૂડમાં પ્રવેશ કર્યો એને લીધે મારી લોકપ્રિયતા વધી ગઈ છે. હું પબ્લિક અટેન્શનમાં આવી ગઈ. હું લોકો માટે રોલ મોડેલ બની ગઈ, પરંતુ મેં મારાં માટે ક્યારેય આવું વિચાર્યું નહોતું. મેં મારી સફળતા અને નિષ્ફળતા બાદ સ્વયંને ખોજી કાઢી છે,’ એમ તેણે લખ્યું છે.

કશ્મીરમાં જન્મેલી અને 18-વર્ષની ઝાયરાએ 2016માં ‘દંગલ’ ફિલ્મમાં સુપરસ્ટાર આમિર ખાન સાથે કામ કરીને બોલીવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. એની નવી ફિલ્મ આવી રહી છે ‘ધ સ્કાય ઈઝ પિન્ક’. એમાં તે પ્રિયંકા ચોપરા અને ફરહાન અખ્તર સાથે ચમકવાની છે. આ ફિલ્મનું શૂટિંગ ગયા માર્ચ મહિનામાં પૂરું થઈ ગયું છે.