શું કંગના રણોતનું સંસદનું સભ્યપદ જતું રહેશે?

શિમલાઃ હિમાચલ પ્રદેશની મંડી લોકસભા સીટથી ભાજપનાં સાંસદ કંગના રણોતની ચૂંટણીને હાઇકોર્ટમાં પડકાર આપવામાં આવ્યો છે.  જે પછી કંગનાને નોટિસ મોકલવામાં આવી છે. એ અરજીમાં કંગનાની સંસદનું સભ્યપદ રદ કરવાની માગ કરવામાં આવી છે. કોર્ટે કંગના પાસે 21 ઓગસ્ટ સુધીનો જવાબ દાખલ કરવા નિર્દેશ આપ્યો છે.

કંગનાની વિરુદ્ધ કિન્નોરના રહેવાસી લાયક રામ નેગીએ એ અરજી દાખલ કરી છે. નાયક વન વિભાગનો ભૂતપૂર્વ કર્મચારી છે. તેણે નોકરીમાંથી VRS લઈ લીધું હતું. તેનું કહેવું હતું કે તે ચૂંટણી લડવા ઇચ્છતો હતો, પણ ચૂંટણી અધિકારીએ તેનું નામાંકન પત્રને ખોટી રીતે ફગાવી દીધું હતું. અરજીકર્તા નેગીએ દલીલ કરી છે કે જો તેનું નામાંકન પત્ર સ્વીકારી લેવામાં આવત તો તે જીતી જાત. જેથી કોર્ટેને તેણે અરજી કરી છે કે કંગનાની ચૂંટણી રદ કરી દેવામાં આવે. તેણે મંડી સીટ પર ફરીથી ચૂંટણી કરાવવાની માગ કરી છે.  

કંગનાએ મંડી લોકસભા બેઠક પરથી તેમના નજીકના હરીફ કોંગ્રેસના ઉમેદવાર વિક્રમાદિત્ય સિંહને 74,755 મતોના માર્જિનથી હરાવીને જીત મેળવી હતી. સિંહના 4,62,267 મતોની સામે કંગનાને 5,37,002 મત મળ્યા હતા. લોક પ્રતિનિધિત્વ અધિનિયમની કલમ 100 હેઠળ મંડીમાં ચૂંટણીને આપવામાં આવેલો પડકારને ધ્યાનમાં રાખીને કોર્ટ ચૂંટણીને અમાન્ય ઘોષિત કરી શકે છે, જોકે એ ત્યારે થશે, જ્યારે કોર્ટ એનું નામાંકન પત્ર ગેરકાયદે રીતે ફગાવવામાં આવ્યું હોવાનું માને.

વન વિભાગના ભૂતપૂર્વ કર્મચારી લાયક રામ નેગીએ જણાવ્યું હતું કે તેમને સમયથી પહેલાં નિવૃત્તિ લીધી છે અને રિટર્નિંગ ઓફિસર સમક્ષ નામાંકન પત્રો સાથે વિભાગ તરફથી નો-ડ્યુઝ પ્રમાણપત્ર રજૂ કર્યું છે. જોકે  તેમને વીજળી, પાણી અને ટેલિફોન વિભાગો તરફથી કોઈ લેણાંના પ્રમાણપત્રો સબમિટ કરવા માટે એક દિવસનો સમય આપવામાં આવ્યો હતો અને જ્યારે તેમણે તે સબમિટ કર્યા ત્યારે પણ રિટર્નિંગ ઓફિસરે તેમને સ્વીકાર્યાં ન હતાં અને ઉમેદવારી પત્રો રદ કર્યા હતા. તેણે દલીલ કરી હતી કે જો તેના કાગળો સ્વીકારવામાં આવ્યા હોત તો તે ચૂંટણી જીતી શક્યા હોત અને કંગનાની ચૂંટણી રદ થવી જોઈએ.