7 જુલાઈ, 2021ના બુધવારે સવારે 7 વાગ્યે મુંબઈની હિન્દુજા હોસ્પિટલમાં દિલીપ કુમાર (98)ના નિધન સાથે હિન્દી ફિલ્મ જગત અને દેશ-વિદેશમાં વસતા ભારતીય ફિલ્મરસિકોએ એક મહાન લોકપ્રિય અભિનેતાને ગુમાવ્યા છે. હિન્દી ફિલ્મજગતમાં જાણે એક યુગનો અંત આવી ગયો છે.
દિલીપ કુમાર એમણે ભજવેલી અનેક ભૂમિકાઓને કારણે હિન્દી ફિલ્મોના ‘ટ્રેજેડી કિંગ’ તરીકે મશહુર થયા છે. 1922ની 11 ડિસેંબરે જન્મેલા દિલીપ કુમારનું મૂળ નામ મોહમ્મદ યુસુફ ખાન હતું. એમનો જન્મ પેશાવર (હાલ પાકિસ્તાન)માં થયો હતો. 1930ના દાયકામાં એમનો પરિવાર મુંબઈ આવ્યો હતો. હિન્દી ફિલ્મ ઉદ્યોગમાં પ્રવેશ કર્યા બાદ એમણે પોતાનું નામ દિલીપ કુમાર રાખ્યું હતું.
સિનેમા જગતમાં પાંચ દાયકા જૂની કારકિર્દી ધરાવનાર દિલીપ કુમારના નિધન સાથે એક સુવર્ણ યુગનો અંત આવી ગયો છે. એમણે 1940ની સાલમાં હિન્દી ફિલ્મ ઉદ્યોગમાં એન્ટ્રી કરી હતી. હિન્દી સિનેમાનો પણ એ આરંભિક કાળ હતો. ભારત દેશ આઝાદ થયો એ પહેલાંના એ જમાનામાં અભિનેતાઓ કે દિગ્દર્શકો બહુ ઓછા હતા અને દર્શકોનો વર્ગ પણ બહુ સીમિત હતો.
દિલીપ કુમારને એક્ટિંગ કરવાની તક નસીબના જોરે મળી હતી. એ વખતે તેઓ મુંબઈમાં એક કેન્ટીન ચલાવતા હતા અને ડ્રાયફ્રૂટના સપ્લાયર હતા.
‘જ્વાર ભાટા’ ફિલ્મ ચાલી નહોતી, પણ ત્રણ વર્ષ પછી, 1947માં આવેલી ‘જુગ્નૂ’ ફિલ્મ હિટ ગઈ હતી. એમાં તેમણે નૂરજહાં સાથે એક્ટિંગ કરી હતી. એમણે બહુ ઓછા સમયમાં જ દર્શકોનાં મન પર એક લાગણીશીલ કલાકાર તરીકેની છાપ ઊભી કરવામાં સફળ થયા હતા. જોગન, દીદાર, દેવદાસ જેવી ફિલ્મોમાં અભિનય કર્યા બાદ એમને ટ્રેજેડી કિંગનું ઉપનામ મળ્યું હતું.
એમને પહેલો મોટો બ્રેક મળ્યો મેહબૂબ ખાનની ફિલ્મ ‘અંદાઝ’ (1949)માં, જેમાં તેઓ રાજ કપૂર અને નરગીસ સાથે ચમક્યાં હતાં. ફિલ્મ પ્રણયત્રિકોણ પર આધારિત હતી. ત્યારબાદ 50ના દાયકામાં દિલીપ કુમારે અનેક હિટ ફિલ્મો આપી હતી જેમ કે, જોગન (1950), દીદાર (1951), દાગ (1952), દેવદાસ (1955), યહૂદી (1958), મધુમતી (1958). ‘દાગ’ ફિલ્મ માટે એમણે બેસ્ટ એક્ટરનો ફિલ્મફેર એવોર્ડ જીત્યો હતો અને ત્યારબાદ ‘દેવદાસ’ માટે પણ તે એવોર્ડ જીત્યો હતો. નરગીસ, કામિની કૌશલ, મીના કુમારી, મધુબાલા, વૈજયંતીમાલા સાથેની એમની જોડી દર્શકોને પસંદ પડી હતી.
પોતાની ટ્રેજેડી કિંગની છાપને હટાવી દેવા માટે દિલીપ કુમારે આઝાદ (1955), નયા દૌર (1957), કોહીનૂર (1960) ફિલ્મો કરી હતી. એમાં પણ એમણે બેસ્ટ એક્ટરનો એવોર્ડ જીત્યો હતો. ત્યારબાદ આવી, કે. આસીફની ધરખમ બજેટવાળી ‘મુગલ-એ-આઝમ’. એમાં પ્રિન્સ સલીમનો રોલ કરીને તેઓ છવાઈ ગયા હતા.
1961માં દિલીપ કુમારે ફિલ્મ નિર્માણમાં ઝૂકાવ્યું હતું અને ‘ગંગા જમના’ ફિલ્મ બનાવી હતી જેમાં એમના ભાઈ નસીર ખાને પણ ટાઈટલ ભૂમિકા ભજવી હતી. જોકે ત્યારબાદ દિલીપે બીજી કોઈ ફિલ્મનું નિર્માણ કર્યું નહોતું. 1964માં ‘લીડર’ ફિલ્મ દિલીપ કુમારની એક વધુ સુપરહિટ બની હતી, પરંતુ 1967માં ડબલ રોલવાળી ‘રામ ઔર શ્યામ’ ફિલ્મે બોક્સ ઓફિસ પર તરખાટ મચાવી દીધો હતો. 70ના દાયકામાં એમની દાસ્તાન, બૈરાગ ફિલ્મોને પણ દર્શકોએ પસંદ કરી હતી. અભિનેત્રીમાંથી પોતાની જીવનસાથી બનેલા સાયરાબાનુ સાથે 1970માં દિલીપ કુમારે ‘ગોપી’ અને ‘બૈરાગ’ ફિલ્મો કરી હતી.
ત્યારબાદ દિલીપ કુમારે 1976થી 1981 વચ્ચે પાંચ વર્ષ સુધી ફિલ્મ ક્ષેત્રમાથી સંન્યાસ લીધો હતો.
1981માં તેઓ ભૂતકાળમાં સહ-અભિનેતા મનોજ કુમારની ‘ક્રાંતિ’ ફિલ્મ સાથે રૂપેરી પડદે પાછા ફર્યા હતા અને ખૂબ પ્રશંસા પામ્યા હતા. ત્યારબાદ તેઓ નિર્માતા સુભાષ ઘઈની ‘વિધાતા’ (1982), ‘શક્તિ’, ‘મશાલ’ અને ‘દુનિયા’ ફિલ્મોમાં પણ ચમક્યા હતા. અમિતાભ બચ્ચન સાથેની ‘શક્તિ’ ફિલ્મની ભૂમિકા માટે એમણે બેસ્ટ એક્ટરનો ફિલ્મફેર એવોર્ડ જીત્યો હતો.
પોતાની કારકિર્દીમાં દિલીપ કુમારે બેસ્ટ એક્ટર માટે કુલ 8 ફિલ્મફેર એવોર્ડ જીત્યા હતા અને 19 વખત એમને ફિલ્મફેર એવોર્ડ માટે નોમિનેશન મળ્યું હતું.
દિલીપ કુમારે ત્યારબાદ સુભાષ ઘઈ સાથે ફરી હાથ મિલાવ્યા હતા અને ‘કર્મા’ (1986) ફિલ્મમાં કામ કર્યું હતું. 1991માં એમણે રાજકુમાર સાથે ‘સૌદાગર’માં કામ કર્યું હતું. સુભાષ ઘઈ સાથે એમની એ ત્રીજી ફિલ્મ હતી. 1959ની ‘પૈગામ’ બાદ રાજકુમાર સાથે દિલીપ કુમારની એ બીજી ફિલ્મ હતી.
1993માં દિલીપ કુમારને ફિલ્મફેર લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડ મળ્યો હતો.
1998માં ‘કિલા’ ફિલ્મ એમની છેલ્લી ફિલ્મ હતી. ત્યારબાદ તેઓ રૂપેરી પડદા પર દેખાયા નહોતા. એમાં તેમણે ડબલ રોલ કર્યો હતો. એક રોલમાં તેઓ દુષ્ટ જમીનદાર હતા, જેમની હત્યા કરવામાં આવે છે અને એમના જોડિયા ભાઈ હત્યારાને શોધવા જંગે ચડે છે.
દિલીપ કુમારની બ્લેક એન્ડ વ્હાઈટ ફિલ્મો ‘મુગલ-એ-આઝમ’ અને ‘નયા દૌર’ને અનુક્રમે 2004 અને 2008માં સંપૂર્ણપણે રંગીન બનાવીને ફરીથી રિલીઝ કરવામાં આવી હતી.
દિલીપ કુમાર ભારત અને પાકિસ્તાનની જનતાને નિકટ લાવવાની ઝુંબેશમાં સક્રિય રહ્યા હતા તેથી એમને રાજ્યસભાના સદસ્ય તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.
દિલીપ કુમારે અભિનેત્રી અને બ્યૂટી ક્વીન સાયરાબાનુ સાથે 1966માં લગ્ન કર્યા હતા. એ વખતે દિલીપ કુમાર 44 વર્ષના અને સાયરાબાનુ 22 વર્ષનાં હતાં.