મુંબઈઃ અભિનેત્રી શેફાલી શાહે આજે એમની જૂની વાતોને યાદ કરીને સોશિયલ મિડિયા પર એમનાં પ્રશંસકોને જાણકારી આપી છે કે યુવાન વયે પોતે એરહોસ્ટેસ બનવા માગતાં હતાં અને એક જાણીતી એરલાઈન કંપનીમાં એ માટે તેમણે અરજી પણ કરી હતી, પરંતુ તે કંપનીએ એમને રિજેક્ટ કર્યાં હતાં. ત્યારપછી પોતે અભિનયની કારકિર્દી તરફ વળ્યાં હતાં જેમાં એમને ઝડપથી સફળતા મળતી ગઈ.
મુંબઈમાં શેટ્ટી પરિવારમાં જન્મેલાં અને બોલીવૂડ નિર્માતા-દિગ્દર્શક વિપુલ શાહને પરણેલાં શેફાલીએ યુવાન વયે એરહોસ્ટેસનાં પદ માટે કેથે પેસિફિક એરલાઈનમાં અરજી કરી હતી, પણ એમની અરજી નામંજૂર કરવામાં આવી હતી. અરજીપત્ર સાથે એમણે પોતાની જે તસવીર જોડી હતી એને શેફાલીએ આજે ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે. અનેક લોકોએ શેફાલીની આ પોસ્ટને લાઈક કરી છે અને કમેન્ટ્સ પણ લખી છે. ઘણાએ પોતાનાં અનુભવો પણ ટાંક્યાં છે. એમાંની એક છે, અભિનેત્રી સંધ્યા મૃદુલ. એણે લખ્યું છે કે, મને પસંદ કરી હતી, પણ મેં નોકરી લીધી નહોતી. આજે આપણે બંને જણ તખ્તા પર છીએ.
‘દિલ્લી ક્રાઈમ’ વેબસિરીઝમાં શેફાલીએ ભજવેલી દિલ્હી પોલીસનાં ડીસીપી વર્તિકા ચતુર્વેદીની ભૂમિકાને દર્શકોએ ખૂબ વખાણી છે. શેફાલીનો અભિનય જોવા મળશે આ આગામી મનોરંજક ફિલ્મો અને વેબસિરીઝમાં – ‘ડોક્ટર G’, ‘દિલ્હી ક્રાઈમ 2’ અને ‘ડાર્લિંગ્સ’. ફિલ્મ ‘ડોક્ટર G’માં એમનાં સહકલાકારો છે – આયુષમાન ખુરાના અને રકુલપ્રીતસિંહ.
