સલમાનને જુહી સાથે લગ્ન કરવા હતા, પણ…

મુંબઈઃ છેલ્લા કેટલાક દિવસોથી બોલીવુડ સુપરસ્ટાર સલમાન ખાનના અંગત જીવનની અમુક વાતો વિશે ચર્ચા થઈ રહી છે. સલમાન આગામી ઈદ તહેવારમાં તેની નવી ફિલ્મ ‘કિસી કા ભાઈ કિસી કી જાન’ રિલીઝ કરવાનો છે. સલમાન વિશે નવી વાત એ બહાર આવી છે કે એ સાથી કલાકાર અભિનેત્રી જુહી ચાવલા સાથે લગ્ન કરવા માગતો હતો. અમુક કારણસર એ લગ્ન થઈ શક્યા નહોતા. એનું કારણ જુહીએ જ જણાવ્યું છે.

થોડાક દિવસો પહેલાં સોશિયલ મિડિયા પર એક વિડિયો વાઈરલ થયો હતો, જેમાં સલમાનને એવું બોલતા દર્શાવાયો છે કે એને જુહી બહુ ગમતી હતી અને એની સાથે લગ્ન કરવા માટે એણે જુહીનાં માતા-પિતા પાસે જુહીનાં હાથની માગણી પણ કરી હતી. પરંતુ જુહીનાં માતા-પિતાએ તેની ઓફર નકારી કાઢી હતી. તે વિશે જુહીને હાલમાં જ એક ઈન્ટરવ્યૂમાં પૂછવામાં આવ્યું તો એણે કહ્યું, ‘કોઈક વાતે જામ્યું નહીં હોય. મને ખબર નથી કે મારાં માતા-પિતાને મારે માટે કેવા પ્રકારનો છોકરો જોઈતો હતો. મને સલમાન સાથે એક ફિલ્મની ઓફર પણ આવી હતી. સલમાન એમાં મુખ્ય ભૂમિકામાં હતો, પરંતુ મેં એ ફિલ્મની ઓફર પણ નકારી કાઢી હતી. એ ફિલ્મ નકારવા બદલ સલમાન મને આજે પણ ટોણા મારે છે.’

સલમાનનું નામ અનેક અભિનેત્રીઓ સાથે જોડાયું છે – જેમ કે, સંગીતા બિજલાની, ઐશ્વર્યા રાય, કેટરીના કૈફ, સોમી અલી, ઝરીન ખાન વગેરે. દરમિયાન, જુહી તેની કારકિર્દીના શિખર પર હતી ત્યારે 1995માં એણે ઉદ્યોગપતિ જય મહેતા સાથે ગુપચુપ રીતે લગ્ન કરી લીધાં હતાં. જુહીએ છ વર્ષ સુધી એનાં લગ્નને ગુપ્ત રાખ્યાં હતાં. એ પછી જ્યારે જુહી ગર્ભવતી થઈ હતી ત્યારે લોકોને ખબર પડી હતી કે જય મહેતા સાથે એનાં લગ્ન થઈ ગયાં છે. જુહી અને જયને બે સંતાન છે – પુત્રી જ્હાન્વી અને પુત્ર અર્જુન. બીજી બાજુ, સલમાન આજે 56 વર્ષની ઉંમરે પણ હજી કુંવારો છે.