રિપોર્ટરનો સવાલ સાંભળી મહેશ ભટ્ટ ભડકી ગયા, આલિયાએ એમને શાંત પાડ્યા

મુંબઈ – મોટી પુત્રી શાહીન લિખિત એક પુસ્તકના વિમોચન પ્રસંગે બોલીવૂડ નિર્માતા-દિગ્દર્શક મહેશ ભટ્ટ એક રિપોર્ટરે પૂછેલા સવાલને કારણે ખૂબ ગુસ્સે ભરાઈ ગયા હતા, ત્યારે મહેશને એમની અભિનેત્રી પુત્રી આલિયાએ શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો, પણ મહેશ ભટ્ટ વધારે પડતા આક્રમક બની ગયા હતા.

મુંબઈમાં, આલિયાની બહેન શાહીનનાં પુસ્તક ‘આઈ હેવ નેવર બીન અનહેપ્પિયર’ના વિમોચન પ્રસંગે હાજર રહેવાનું પત્રકારોને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું. એ પ્રસંગે સમગ્ર ભટ્ટ પરિવાર હાજર હતો. મહેશ ભટ્ટ ઉપરાંત એમના પત્ની સોની રાઝદાન, ત્રણ પુત્રી આલિયા, શાહીન અને પૂજા પણ હાજર હતી.

પુસ્તક વિમોચન પ્રસંગે ડિપ્રેશન અને માનસિક આરોગ્યના વિષય પર વાતચીત થતી હતી. એ દરમિયાન એક પત્રકારે મનોચિકિત્સક વિશે સવાલ પૂછતાં મહેશ ભટ્ટ ખૂબ જ ભડકી ગયા હતા અને જોરજોરથી બૂમ પાડીને જવાબ દેવાનું શરૂ કર્યું હતું. પપ્પાને એ રીતે બૂમો પાડતાં જોઈને આલિયા, જે એની મમ્મી સોનીની બાજુમાં બેઠી હતી, એણે એમને શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો.

શરૂઆતમાં તો મહેશે દીકરીની અવગણના કરી હતી, પણ પછી જવાબ દઈને શાંત થઈ ગયા હતા.

મહેશ ભટ્ટ ગુસ્સામાં રાતાપીળા થઈ ગયા હતા અને કહ્યું કે આ સવાલોનો કોઈ જવાબ હોતો નથી. જે લોકો દાવો કરે છે એની પાસે જવાબ છે. એવા લોકો માત્ર દેખાડો કરે છે અને પોતાની ઈન્સ્ટિટ્યૂટ ખોલી દેતા હોય છે. એમની પાસે જનારા લોકો પર જવાબ ઠોકી બેસાડવામાં આવે છે.

એ સાંભળીને મમ્મી સોનીની બાજુમાં બેઠેલી આલિયાએ ‘પપ્પા’ કહીને મહેશ ભટ્ટને શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો અને રિપોર્ટરને કહ્યું કે, ‘મેં તમને ચેતવણી આપી હતી કે આવું થશે.’

મહેશ ભટ્ટે બોલવાનું ચાલુ રાખતાં કહ્યું કે, હું આ બીમાર દુનિયામાં એક નાનકડી છોકરી પાસે ફિટ રહેવાની આશા રાખી ન શકું, આ દુનિયા જ્યાં ક્રૂરતા લીગલ છે.

એ સાંભળીને આલિયાએ પિતાને ફરી ટોક્યા હતા.

મહેશ ભટ્ટના ગુસ્સાવાળો આ વિડિયો ઈન્ટરનેટ પર વાયરલ થયો છે.

અગાઉ પણ એક વિડિયો વાયરલ થયો હતો જેમાં આલિયા ડિપ્રેશનનો શિકાર બનેલી એની બહેન વિશે બોલતી વખતે ભાવૂક થઈ ગઈ હતી અને રડી પડી હતી.