લતા મંગેશકર 28 દિવસે હોસ્પિટલમાંથી ઘેર પાછાં ફર્યાં; શુભેચ્છકોનો આભાર માન્યો

મુંબઈ – દંતકથા સમાન ગાયિકા અને ભારત રત્ન સમ્માનિત લતા મંગેશકરને આજે અહીં હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે અને તેઓ પોતાનાં ઘેર પાછાં ફર્યાં છે.

લતાજીને ન્યૂમોનિયા થવાને કારણે ત્રણ અઠવાડિયા અગાઉ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં.

90 વર્ષીય લતાજીને શ્વાસ લેવામાં તકલીફ પડતાં ગઈ 11 નવેંબરે દક્ષિણ મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં.

આજે એમણે ટ્વિટર પર હાજર થઈને એમનાં પ્રશંસકોને પોતાનાં સ્વાસ્થ્ય વિશે અપડેટ કર્યાં હતાં અને પ્રાર્થના તથા શુભેચ્છા બદલ સૌનો આભાર માન્યો છે.

લતાજીએ ટ્વિટર પર લખ્યું છેઃ ‘છેલ્લા 28 દિવસથી હું બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં હતી. મને ન્યૂમોનિયાનું નિદાન થયું હતું. ડોક્ટરોએ એવી ઈચ્છા દર્શાવી હતી કે હું હોસ્પિટલમાં થોડાક દિવસો વધારે રહું અને સંપૂર્ણપણે સાજી થઈ જાઉં એ પછી જ ઘેર જાઉં. આજે, હું માઈ અને બાબાનાં આશીર્વાદથી ઘેર પાછી ફરી છું. મારાં તમામ શુભેચ્છકોનો હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. આપ સહુની પ્રાર્થના અને શુભેચ્છા સફળ થઈ છે અને હું આપ દરેક જણને નમન કરું છું.’

મહાન ગાયિકાએ એમની સારવાર કરનાર ડોક્ટરોની ટીમનો પણ આભાર માન્યો છે. ટ્વીટમાં એમણે લખ્યું છેઃ ‘બ્રીચ કેન્ડી ખાતેના મારા ડોક્ટરો સાચે જ ફરિશ્તા છે. આપ સહુનો હું ફરીથી મનઃપૂર્વક આભાર વ્યક્ત કરું છું. આવો પ્યાર અને આશીર્વાદ કાયમ જળવાઈ રહે.’