નવી દિલ્હી – જમ્મુ અને કશ્મીર રાજ્યના કશ્મીર ખીણપ્રદેશમાંથી ચાર લાખ જેટલા કશ્મીરી હિન્દુ પંડિતોને મોટા પાયે હિજરત કરવી પડી હતી એની 30મી વરસી નિમિત્તે નિર્માતા-દિગ્દર્શક વિધુ વિનોદ ચોપરાએ હિન્દી ફિલ્મ બનાવી છે ‘શિકારા: ધ અનટોલ્ડ સ્ટોરી ઓફ કશ્મીરી પંડિત્સ’. આ ફિલ્મ આવતી 7 ફેબ્રુઆરીએ રિલીઝ થવાની છે.
આ ફિલ્મ એવા કશ્મીરી પંડિતોની આપવીતી પર આધારિત છે જેઓ એક સમયે કશ્મીરમાં સુખ-શાંતિથી અને વૈભવથી જીવતાં હતાં, પણ ઉગ્રવાદીઓએ મચાવેલા કાળા કેર અને 1989ની 19 જાન્યુઆરીએ રમખાણો ફાટી નીકળવાને પગલે એમને જાન બચાવવા માટે ઘર-સામાન પડતાં મૂકીને પરિવારજનોની સાથે ત્યાંથી ભાગી જવાની ફરજ પડી હતી. ત્યાંથી મોટા ભાગનાં લોકો જમ્મુમાં ગયા હતા અને ત્યાં એમને નિરાશ્રીત છાવણીમાં વર્ષો સુધી રહેવું પડ્યું હતું. આજે પણ એમને આશ્રિત તરીકે જીવવું પડી રહ્યું છે.
આ ફિલ્મનો ખાસ શો ચોપરાએ કશ્મીરી પંડિતો માટે આજે નવી દિલ્હીમાં યોજ્યો હતો.
શિકારાનો ખાસ શો 30 મિનિટનો હતો અને એમાં જમ્મુના જગતી માઈગ્રન્ટ કેમ્પના 30થી વધારે કશ્મીરી પંડિત નિરાશ્રીતોએ હાજરી આપી હતી. આ 30 જણમાંના અમુક લોકોએ આ ફિલ્મમાં કામ પણ કર્યું છે.
‘મુન્નાભાઈ એમબીબીએસ’, ‘3 ઈડિયટ્સ’, ‘પીકે’ જેવી સુપરહિટ ફિલ્મો બનાવનાર ચોપરાએ ખાસ શો પ્રસંગે જણાવ્યું કે, આ ફિલ્મ માત્ર તમારા લોકો માટે જ છે. આ ફિલ્મ બનાવવામાં સહાયતા કરવા બદલ આપ સહુનો આભાર માનું છું.
વાસ્તવમાં, ચોપરાનાં માતા પણ એક કશ્મીરી પંડિત હતાં જેમને કશ્મીરમાંથી ખરાબ સંજોગોમાં હિજરત કરી જવી પડી હતી.
વિધુ વિનોદ ચોપરાએ કહ્યું કે આ ફિલ્મ બનાવતાં એમને 11 વર્ષનો સમય લાગ્યો છે. આ ફિલ્મ બનાવવાનું એમને ખૂબ જ અઘરું લાગ્યું હતું.
શિકારા ફિલ્મના દિગ્દર્શક અને નિર્માતા વિધુ વિનોદ ચોપરા જ છે. સંગીતકાર એ.આર. રેહમાન છે. ફિલ્મમાં આદિલ ખાને શિવકુમાર ધર અને સાદિયાએ શાંતિ ધરની ભૂમિકા ભજવી છે. સાદિયા કશ્મીરની જ રહેવાસી છે.
જુઓ ‘શિકારા’ ફિલ્મનું ટ્રેલર…