બજેટે ફિલ્મઉદ્યોગને આપી બે મોટી સુવિધાઃ કડક એન્ટી-કેમકોર્ડિંગ કાયદો, 12% GST

મુંબઈ – કાર્યવાહક કેન્દ્રીય નાણાં પ્રધાન પીયૂષ ગોયલે ગઈ કાલે સંસદમાં રજૂ કરેલા વર્ષ 2019-20ના વચગાળાના બજેટમાં અનેક લોકપ્રિય જાહેરાતો કરીને જનતામાં આનંદ લાવી દીધો છે. આમાં બોલીવૂડનાં મહારથીઓ પણ બાકાત નથી રહ્યાં.

સરકારે બજેટમાં એન્ટી-કેમકોર્ડિંગ જોગવાઈનો સમાવેશ કર્યો છે. તે મુજબ, થિયેટરોમાં ગેરકાયદેસર રીતે ફિલ્મનું રેકોર્ડિંગ કરવાનું ભારે પડી જશે.

આ બજેટને લીધે થિયેટરોમાં મોબાઈલ ફોનથી ફિલ્મ રેકોર્ડ કરવાનું મોંઘું પડશે.

પીયૂષ ગોયલે ભારતના ફિલ્મ ઉદ્યોગને દેશમાં રોજગાર આપનાર મુખ્ય ઉદ્યોગોમાંના એક તરીકે ગણ્યો છે. તેથી એમણે ફિલ્મ ઉદ્યોગ માટે વચગાળાના કેન્દ્રીય બજેટમાં બે મોટી જાહેરાત કરી છે.

પહેલી ઘોષણા મુજબ, ભારતમાં કોઈ ફિલ્મનું શૂટિંગ કરનાર તમામ દિગ્દર્શકો માટે સિંગલ વિન્ડો ક્લીયરન્સ સુવિધા છે.

તે ઉપરાંત મનોરંજન સેક્ટર માટે, એટલે કે થિયેટરોમાં ફિલ્મ જોવા જતા લોકોને માત્ર 12 ટકા જીએસટી ચાર્જ કરવાની જાહેરાતને પણ બોલીવૂડમાં વ્યાપક રીતે આવકાર આપવામાં આવ્યો છે. સરકારે થિયેટરો તથા અન્ય મનોરંજન સુવિધાઓને જીએસટી અંતર્ગત અને 12 ટકાના સમાન સ્લેબમાં લાવી દીધા છે.

ઉલ્લેખનીય છે કે, બોલીવૂડના ઘણા કલાકારો અને નિર્માતાઓ હાલમાં જ દિલ્હી જઈને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા અને કેન્દ્રીય બજેટમાં ફિલ્મ ઉદ્યોગનું ધ્યાન રાખવાની એમને વિનંતી કરી હતી.

અગાઉ સિંગલ વિન્ડો ક્લીયરન્સ સુવિધા માત્ર વિદેશી ફિલ્મ દિગ્દર્શકોને જ મળતી હતી, પણ હવે ભારતમાં કોઈ પણ ભાષાની ફિલ્મનું શૂટિંગ કરવા માગતા દિગ્દર્શકોને પણ એનો લાભ મળશે.

બીજી ઘોષણા એવી છે કે, સિનેમેટોગ્રાફી કાયદાને વધુ કડક બનાવવામાં આવશે. આનો ઉદ્દેશ્ય ચાંચિયાગીરીને રોકવાનો છે. જેથી જે લોકો ફિલ્મોના માધ્યમથી પૈસા કમાવવા માગે છે એમની આવક પર કોઈ તરાપ મારી ન શકે.

પ્રોડ્યૂસર્સ ગિલ્ડ ઓફ ઈન્ડિયાના પ્રમુખ અને વિદ્યા બાલનનાં પતિ સિદ્ધાર્થ રોય કપૂરે આ બજેટ જોગવાઈની પ્રશંસા કરી છે.

દરમિયાન, થિયેટરોમાં મોબાઈલથી ફિલ્મનું રેકોર્ડિંગ કરવાની પ્રવૃત્તિને રોકવા માટે સરકારે કાયદો કડક બનાવવાનું નક્કી કર્યું છે. આનો ઉદ્દેશ્ય પણ પાઈરેસીને રોકવાનો છે.

લોકસભામાં બજેટની રજૂઆત વખતે ફિલ્મ ઉદ્યોગ માટેની સુવિધાની જાહેરાત કરતી વખતે ગોયલે હાલમાં જ રિલીઝ થયેલી ‘ઉરીઃ ધ સર્જિકલ સ્ટ્રાઈક’ ફિલ્મ જોવાની ભલામણ પણ કરી હતી. એમની એ વાતને સભ્યોએ તાળીઓનાં ગડગડાટ સાથે વધાવી લીધી હતી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]