નવી દિલ્હીઃ વર્ષ 2023 બોલીવૂડ માટે શાનદાર રહ્યું છે. કોરોનાના ખરાબ સમયમાંથી પસાર થઈને ફરી એક વાર સિનેરસિકોમાં થિયેટર માટે ક્રેઝ જોવા મળ્યો હતો. લોકો OTT પર નહીં, બલકે હવે થિયેટરોમાં જઈને ફિલ્મ જોવાનું પસંદ કરી રહ્યા છે. આ વર્ષે ચાર હિન્દી ફિલ્મો રહી છે, જેનું સ્થાનિક કલેક્શન રૂ. 500 કરોડને પાર રહ્યું છે.
આ વર્ષે ‘પઠાન’, ‘જવાન’, ગદર-2 અને ‘એનિમલે’ ઘરેલુ બોક્સ ઓફિસ પર રૂ. 500 કરોડથી વધુની કમાણી કરી છે, જ્યારે ‘જેલર’, ‘લિયો’ અને ‘ભોલા શંકર’ જેવી સ્થાનિક ફિલ્મોએ નોંધપાત્ર કમાણી કરી છે, જ્યારે ‘ટાઇગર-3’ અને ‘ઓહ માય ગોડ-2’એ થિયેટરોમાં નોંધપાત્ર ભીડ ભેગી કરવામાં સફળતા મેળવી છે.
બોલીવૂડ એક્ટર શાહરુખ ખાનની ત્રણમાંથી બે બ્લોકબસ્ટર નીવડી છે, જ્યારે સની દેઓલની એક, રણબીર કપૂરની એક બ્લોકબસ્ટર તો એક એવરેજ, સલમાન ખાનની એક એવરેજ એક ફ્લોપ રહી છે. જ્યારે અક્ષયકુમારની એક એવરેજ ફિલ્મ રહી છે, જ્યારે બે ફિલ્મો ફ્લોપ રહી છે.
બોલીવૂડ માટે વર્ષ 2023માં અનેક હિટ ફિલ્મો રહી છે, જ્યારે આવતા વર્ષે 2024માં ટોચની 10 ફિલ્મો રિલીઝ થશે, જેની પર સૌથી નજર રહેશે. એ ફિલ્મોમાં અજય દેવગનની ‘સિંગમ અગેઇન’ –જે 26 જાન્યુઆરીએ રિલીઝ થશે. એ પછી મેગા સ્ટાર અમિતાભની ‘કલ્કી 2898 AD’ છે, જેમાં કમલ હસન, દીપિકા પાદુકોણ, પ્રભાસ અને દિશા પટ્ટની છે.એ સિવાય કંગના રણોત સ્ટારર ‘ઇમરજન્સી’ વર્ષ 2024માં રિલીઝ થશે.