અરબાઝ ખાન 24મીએ મેકઅપ આર્ટિસ્ટ શૂરા ખાન સાથે લગ્ન કરશેઃ અહેવાલ

મુંબઈઃ બોલીવુડના ‘દબંગ’ સલમાન ખાનનો 56 વર્ષીય નાનો ભાઈ અરબાઝ ખાન આવતી 24 ડિસેમ્બરે મેકઅપ આર્ટિસ્ટ શૂરા ખાન સાથે લગ્ન કરવાનો છે એવા અહેવાલો છે. અરબાઝ 1998માં મલાઈકા અરોરાને પરણ્યો હતો, પરંતુ બંનેનું 19 વર્ષનું લગ્નજીવન 2017માં ટૂંકાઈ ગયું હતું. બંને જણ 2017ના મે મહિનાથી જ અલગ રહેતાં થયાં હતાં. ત્યારબાદ 2019માં એમણે છૂટાછેડા લઈ લીધા હતા. મલાઈકાથી અલગ થયા બાદ અરબાઝ ઈટાલીમાં જન્મેલી અને બોલીવુડની અમુક ફિલ્મો (‘વેલકમ ટૂ બજરંગપુર’ અને ‘નોન સ્ટોપ ધમાલ’)માં ચમકેલી અભિનેત્રી જોર્જિયા એન્ડ્રિયાની સાથે રોમેન્ટિક સંબંધમાં બંધાયો હતો. 2019માં અરબાઝે કબૂલ પણ કર્યું હતું કે તે અને જોર્જિયા પ્રેમમાં છે.

અરબાઝ ખાન અને શૂરા ખાન

પરંતુ તાજેતરમાં જોર્જિયાએ અરબાઝ સાથેના એનાં બ્રેકઅપની જાહેરાત કરી હતી. એણે કહ્યું હતું કે, ‘અમે બંને જણ જાણતાં હતાં કે અમારો પ્યાર લાંબો સમય નહીં ચાલે. અમે મિત્રો હતાં અને કાયમ બેસ્ટ મિત્રો બની રહીશું. મને એના પ્રત્યે લાગણી છે અને કાયમ રહેશે.’

હવે એવા અહેવાલ છે કે અરબાઝ એક નવી યુવતીનાં પ્રેમમાં પડ્યો છે અને તેની સાથે લગ્ન કરવાનો છે. મેકઅપ આર્ટિસ્ટ શૂરા ખાન સાથે તેની પહેલી મુલાકાત એની નવી ફિલ્મ ‘પટના શુકલા’ના સેટ પર થઈ હતી. શૂરા બોલીવુડ અભિનેત્રી રવીના ટંડન અને તેની પુત્રી રાશા થડાની માટે મેકઅપ આર્ટિસ્ટનું કામ કરે છે.