ફેન્સની આતુરતાનો અંતઃ સલમાનની ફિલ્મ ‘અંતિમ’ની તારીખ જાહેર

નવી દિલ્હીઃ બોલીવૂડ સુપરસ્ટાર સલમાન ખાનની ફિલ્મોની રાહ ફેન્સને હંમેશાં રહેતો હોય છે. સલમાન ખાન અને આયુષ શર્મા અભિનિત ફિલ્મ ‘અંતિમઃ ધ ફાઇનલ ટ્રુથ’ ઝી સ્ટુડિયોઝ દ્વારા 26 નવેમ્બરે રિલીઝ થવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. સલમાન ખાને ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર આ ફિલ્મની રિલીઝ થવાની ઘોષણા કરી હતી. તેમણે આ ફિલ્મનું મોશન પોસ્ટર પણ શેર કર્યું હતું, જેમાં આયુષને આક્રમક લુકમાં દેખાય છે. એમાં સલમાન શીખ લુકમાં દેખાય છે. આ પોસ્ટરની સાથે સલમાન ફિલ્મની ડિટેલ્સ પણ મૂકી છે. સલમાને કેપ્શનમાં લખ્યું છે- #Antim 26 નવેમ્બર, 2021એ વિશ્વભરનાં થિયેટર્સમાં રિલીઝ થવા જઈ રહી છે.

‘અંતિમ’ મહેશ માંજરેકર દ્વારા ડિરેક્ટ કરવામાં આવી અને એ ફિલ્મને સલમાન ખાન ફિલ્મ્સ હેઠળ બનાવવામાં આવી છે.સલમાન ખાને ઝી અને પૂનિત ગોએન્કા સાથે ‘રેસ 3’, ‘લવયાત્રી’, ‘ભારત’, ‘દબંગ 3’, ‘કાગજ’ અને ‘રાધે’ જેવી ફિલ્મો કરી છે. હવે તેઓ સાથે મળીને ‘અંતિમ’ લઈને આવી રહ્યા છે.

જો સલમાનની ફિલ્મ એ 26 નવેમ્બરે રિલીઝ થશે તો જોન અબ્રાહમ અને દિવ્યા ખોસલા કુમારની ફિલ્મ ‘સત્યમેવ જયતે 2’થી એની ટક્કર થશે. ‘અંતિમ’ની વાર્તા મુખ્યત્વે એક પોલીસવાળા અને અલગ-અલગ વિચારધારાવાળા ગેન્ગસ્ટરની આસપાસ છે. આ ફિલ્મમાં બે હીરો સંપૂર્ણ રીતે જુદી-જુદી દુનિયા અને વિચારધારાના બે નાયકને સામસામે લાવે છે- આ ફિલ્મમાં નખ કરડી ખવાય એટલી ઉત્તેજના છે.