મુંબઈઃ અગાઉ ‘સરકાર 3’, ‘ધ બિગ બુલ’ અને ‘ચેહરે’ જેવી ફિલ્મોનું નિર્માણ કરી ચૂકેલા ફિલ્મ નિર્માતા અને ડિસ્ટ્રીબ્યુટર આનંદ પંડિત હવે ‘સ્વાતંત્ર્ય વીર સાવરકર’ ફિલ્મને આર્થિક ટેકો આપવાના છે. આ ફિલ્મનું દિગ્દર્શન અભિનેતા રણદીપ હુડા કરશે અને શિર્ષક ભૂમિકા પણ એ જ ભજવશે, એમ એક અખબારી અહેવાલમાં જણાવવામાં આવ્યું છે.
આ ફિલ્મનું દિગ્દર્શન મહેશ માંજરેકર કરવાના હતા એવી અગાઉ જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ અગાઉથી લીધેલી જવાબદારીઓ પૂરી કરવાની હોઈ પોતાની પાસે સમય ન હોવાને કારણે માંજરેકર ‘વીર સાવરકર’ પ્રોજેક્ટમાંથી ખસી ગયા છે. ‘સ્વાતંત્ર્ય વીર સાવરકર’ના નિર્માણમાં આનંદ પંડિતની સાથે સંદીપ સિંહ અને સેમ ખાન, રૂપા પંડિત, ઝફર મેહદી પણ સામેલ થયાં છે. આ ફિલ્મ એક અલગ સ્વરૂપે ભારતની આઝાદીની ચળવળને દર્શાવશે. ફિલ્મનું શૂટિંગ લંડન, મહારાષ્ટ્ર તેમજ આંદામાન-નિકોબાર ટાપુઓ પર કરવામાં આવશે.