સુશાંત મૃત્યુ પ્રકરણઃ પૂછપરછ માટે કંગનાને પોલીસનું સમન્સ

મુંબઈઃ હિન્દી ફિલ્મોના યુવા, તેજસ્વી અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના રહસ્યમય મોતના સંબંધમાં મુંબઈ પોલીસે પૂછપરછ માટે અભિનેત્રી કંગના રણૌતને સમન્સ મોકલ્યું છે.

કંગના હાલ હિમાચલ પ્રદેશમાં એના વતન મનાલીમાં છે. મુંબઈના બાન્દ્રા (વેસ્ટ) ઉપનગરની પોલીસે કંગનાને સમન્સ મોકલ્યું છે કે સુશાંતના મોતની ઘટના સંબંધમાં એનું નિવેદન નોંધવાનું હોવાથી એ પોલીસ સમક્ષ હાજર થાય.

34 વર્ષીય સુશાંત સિંહ બાન્દ્રા (વેસ્ટ)ના કાર્ટર રોડ પર આવેલી હાઉસિંગ સોસાયટીમાં પોતાના ડુપ્લેક્સ ફ્લેટમાં રહેતો હતો. ગઈ 14 જૂને સવારે એ તેના ઘરમાં મૃત અવસ્થામાં મળી આવ્યો હતો. પોલીસે પ્રાથમિક તપાસ બાદ કહ્યું હતું કે સુશાંતે ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. એ ડિપ્રેશનમાં હતો એવું પણ પોલીસનું કહેવું છે.

પરંતુ, કંગનાએ સુશાંતના મૃત્યુના બીજા જ દિવસે એક વિડિયો નિવેદન બહાર પાડીને સનસનાટી ફેલાવી દીધી હતી. એમાં તેણે કહ્યું હતું કે સુશાંતનું મૃત્યુ આત્મહત્યા નહીં, પણ પ્લાન્ડ મર્ડર છે. સુશાંત ફિલ્મ ઉદ્યોગમાં પ્રવર્તતા નેપોટિઝમ (સગાંવાદ)નો ભોગ બન્યો હતો.

સુશાંતના મૃત્યુના પ્રકરણમાં પોલીસ અત્યાર સુધીમાં અનેક લોકોની પૂછપરછ કરી ચૂકી છે. એમાં સુશાંતના પરિવારજનો, સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તિનો તેમજ બોલીવૂડની અમુક હસ્તીઓનો પણ સમાવેશ થાય છે. એમાં સુશાંતની આખરી ફિલ્મ ‘દિલ બેચારા’ના દિગ્દર્શક મુકેશ છાબરા, યશરાજ ફિલ્મ્સ કંપનીના ચેરમેન આદિત્ય ચોપરા, યશરાજ ફિલ્મ્સના કાસ્ટિંગ ડાયરેક્ટર શાનૂ શર્મા, નિર્માતા-દિગ્દર્શક સંજય લીલા ભણસાલી, ફિલ્મ સમીક્ષક રાજીવ માસંદનો સમાવેશ થાય છે.

સુશાંતે 2013માં ‘કાઈ પો છે’ ફિલ્મ સાથે બોલીવૂડમાં એન્ટ્રી કરી હતી. એણે ‘પી.કે.’, ‘કેદારનાથ’, ‘સોનચિડિયા’, ‘છીછોરે’ જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું.

કંગનાનો આરોપ છે કે બોલીવૂડમાં નેપોટિઝમના દૂષણને કારણે સુશાંતનું મૃત્યુ નિપજ્યું હતું. કંગનાએ સુશાંતના મોત માટે નિર્માતા કરણ જોહરને દોષી ગણાવ્યા છે. કંગનાએ આ ઉપરાંત અન્ય નિર્માતાઓ આદિત્ય ચોપરા, મહેશ ભટ્ટ, રાજીવ માસંદને પણ જવાબદાર લેખાવ્યા છે. એણે એમ પણ કહ્યું છે કે મુંબઈ પોલીસે આ પ્રકરણમાં કરણ જોહરની પૂછપરછ શા માટે નથી કરી? કંગનાએ મુંબઈ પોલીસને અવારનવાર અપીલ કરી છે કે તેઓ સુશાંતના મોતની ઘટનામાં વિસ્તૃત રીતે તપાસ કરે.

કંગનાએ એમ પણ કહ્યું છે કે જો પોતાનો આ આરોપ ખોટો ઠરશે તો પોતે પોતાનો પદ્મશ્રી એવોર્ડ પરત કરી દેશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]