મુંબઈઃ નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરો (NCB)એ દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તિ સામે કેસ નોંધ્યા બાદ આ એજન્સી હવે આવનારા દિવસોમાં 20 જણની પૂછપરછ કરવાની છે.
NCB એજન્સીએ કેફી પદાર્થોની સપ્લાય કરતા હોવાની શંકાવાળા 20 જણના નામોની યાદી તૈયાર કરી છે. આમાં ગૌરવ આર્ય, સુવેદ લોહિયા, ક્વાન એન્ટરટેનમેન્ટના પાર્ટનર જયા સહા, બિગ-બોસ શોના ભૂતપૂર્વ સ્પર્ધક એજાઝ ખાન, ફારુખ બટાટા, બકુલ ચંદાની વગેરેનો સમાવેશ થાય છે.
NCBએ રિયા ચક્રવર્તિ, એનાં ભાઈ શૌવિક, સુશાંતના સહ-મેનેજર શ્રુતિ મોદી અને ગૌરવ આર્ય સામે નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાઈકોટ્રોપિક સબ્સ્ટન્સીસ એક્ટની કલમો હેઠળ કેસ નોંધ્યો છે.
ગૌરવ આર્ય અને અક્ષિત શેટ્ટી ફરાર હોવાનું કહેવાય છે. કહેવાય છે કે ગઈ 16 ઓગસ્ટે ગોવામાં એક રેવ પાર્ટી પર છાપો મારવામાં આવ્યો હતો જેમાં આર્યએ ડ્રગ્સ સપ્લાય કરી હોવાનું કહેવાય છે.
એજાઝ ખાનની નવી મુંબઈ પોલીસે 2018ના ઓક્ટોબરમાં ડ્રગ્સના વેપાર બદલ ધરપકડ કરી હતી જ્યારે મુંબઈના ખારમાં સર્વોદય વિડિયો લાઈબ્રેરીના માલિક ચંદાનીને મુંબઈ પોલીસના એન્ટી-નાર્કોટિક્સ સેલે કોકેન અને એલસીડી રાખવા બદલ 2018ના ડિસેંબરમાં ધરપકડ કરી હતી.
કેફી દ્રવ્યોના દાણચોરો સાથે રિયાની કથિત સાંઠગાંઠના સમાચારો બહાર આવ્યા બાદ એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટની વિનંતી પરથી NCB એજન્સીને તપાસમાં જોડવામાં આવી છે.
34 વર્ષીય સુશાંત ગઈ 14 જૂને મુંબઈના બાન્દ્રા (વેસ્ટ)માં એના ઘરમાં મૃત અવસ્થામાં મળી આવ્યો હતો. સુશાંતના પરિવારે 25 જુલાઈએ પટના પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી જેમાં એમણે રિયાને મુખ્ય શકમંદ તરીકે ગણાવી છે.