સ્વ. અભિનેત્રી શ્રીદેવીનું કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં મરણોત્તર સમ્માન કરાયું

કાન્સ (ફ્રાન્સ) – બોલીવૂડની મહાન સ્વ. અભિનેત્રી શ્રીદેવીનું અહીં ૭૧મા કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં મરણોત્તર સમ્માન કરવામાં આવ્યું છે.

ભારતીય સિનેમા માટે શ્રીદેવીએ આપેલા યોગદાન બદલ એમને અપાયેલો એવોર્ડ એમના પરિવાર વતી નિર્માતા સુભાષ ઘઈએ સ્વીકાર્યો છે.

શ્રીદેવીનાં પતિ નિર્માતા બોની કપૂરે એક નિવેદનમાં જણાવ્યું છે કે, જ્હાન્વી, ખુશી અને હું ખૂબ જ અભિભૂત થઈ ગયા છીએ.

એવોર્ડ સ્વીકારતી વખતે સુભાષ ઘઈએ પણ કહ્યું કે આ એવોર્ડ સ્વીકારીને હું પણ સ્વયંને ગર્વાન્વિત સમજું છું.

શ્રીદેવીનું ટાઈટન રેજિનલ્ડ એફ. લૂઈસ ફિલ્મ આઈકન એવોર્ડથી સમ્માન કરવામાં આવ્યું છે. આ સંસ્થા સમગ્ર વિશ્વના ફિલ્મ ઉદ્યોગની મહિલાઓને બિરદાવે છે અને ફિલ્મ ઉદ્યોગમાં એમનાં થકી આવેલી બહુસાંસ્કૃતિક અસરને સલામ કરે છે.

સુભાષ ઘઈએ પોતાને એવોર્ડ સ્વીકારતા દર્શાવતી તસવીરો ટ્વિટર પર શેર કરી છે અને કેપ્શનમાં લખ્યું છે કે, દંતકથા સમી અભિનેત્રી શ્રીદેવી કપૂરની વતી કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં એવોર્ડ સ્વીકારવાનું મને ગૌરવ પ્રાપ્ત થયું છે.

બોની કપૂરે કહ્યું છે કે શ્રીદેવીએ એનાં અભિનય દ્વારા તેમજ જીવન દ્વારા વિશ્વભરમાં ઘણાયના હૃદયને સ્પર્શ કર્યો છે અને કરોડો લોકો માટે એક પ્રેરણા બની રહી છે. એ હંમેશાં જીવંત રહેશે.

શ્રીદેવીનું ગયા ફેબ્રુઆરીમાં દુબઈની એક હોટેલમાં એમના રૂમનાં બાથરૂમના ટબમાં અકસ્માતપણે ડૂબી જવાથી મૃત્યુ થયું હતું. એમને એમની આખરી હિન્દી ફિલ્મ ‘મોમ’માં કરેલા અભિનય બદલ શ્રેષ્ઠ અભિનેત્રીનો રાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડ પણ મરણોત્તર આપવામાં આવ્યો છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]