પૂર્વપ્રધાન પાસે પાંચ લાખની ખંડણી માગી, મુંબઇથી પકડાઇ ગયો!

મોરબીઃ ગેંગસ્ટરના નામને સહારે પાંચ લાખ કમાવા નીકળેલાં શખ્સને સળીયા ગણવાનો વારો આવી ગયો છે.   ગુજરાતના પૂર્વપ્રધાન જયંતી કવાડીયાને રવિપૂજારીના નામથી ફોન પર ધમકી મળી હતી જેમાં પાંચ લાખ રુપિયા આપવા નહીં તો વીમો ઉતરાવી દેવા કહ્યું હતું. જેની ફરિયાદ થતાં મોરબી એલસીબી પોલિસે મુંબઇથી રવિપૂજારીના નામથી ફોન કરીને ધમકી આપનાર શખ્સ આશીષકુમાર રામનરેશ શર્માને પકડી લીધો હતો.. આ યુવક ફિલ્મોમાં આસિસ્ટન્ટ ડાયરેક્ટર હોવાની વાત પણ કરે છે.જયંતી કવાડિયા ગત ભાજપ સરકારમાં પંચાયત અને ગ્રામ્ય વિકાસ મંત્રી હતા. તેઓ ધ્રાંગધ્રા-હળવદ બેઠક પરથી ચૂંટણી લડીને જીત્યાં હતાં. વાત પૂર્વપ્રધાનની હતી એટલે ગાંધીનગર સુધી ફોન રણક્યાં હતાં અને આ કેસમાં તાત્કાલિક કાર્યવાહીની સૂચના આપવામાં આવી હતી. આ માટે પોલીસ બે અલગઅલગ ટીમની પણ રચના કરી હતી. પોલીસની એક ટીમ તપાસ માટે મુંબઈ પહોંચી હતી. જ્યાં આશીષકુમારને દબોચી લીધો હતો. આ શખ્સ પૂજારી ગેંગ સાથે સંકળાયેલો નથી અને કોઇ આ રીતે કમાણી કરતો હોવાનો મામલો જણાવવામાં આવી રહ્યો છે..