ગાયક કેકે (53)ના અકાળે નિધનથી દેશભરમાં શોક

કોલકાતાઃ બોલીવુડ તથા બીજી અનેક ભારતીય ભાષાઓના ગીતો માટે પોતાનો સ્વર આપનાર લોકપ્રિય ગાયક કેકેનું કોલકાતામાં એક સ્ટેજ પરફોર્મન્સ દરમિયાન તબિયત બગડી જતાં અચાનક નિધન થયું છે. તેઓ 53 વર્ષના હતા. એમના નિધનથી દેશભરમાં શોક અને આઘાતની લાગણી ફરી વળી છે. કેકેના મૃતદેહની આજે ઓટોપ્સી કરાશે અને ત્યારબાદ જ એમના મરણનું ખરું કારણ જાણવા મળશે. ડોક્ટરોએ તો એવી શંકા વ્યક્ત કરી છે કે હૃદય બંધ પડી જવાને કારણે કેકેનું મૃત્યુ થયું હતું.

એમનું નામ હતું કૃષ્ણકુમાર કુન્નાથ. તેઓ ગઈ કાલે રાતે દક્ષિણ કોલકાતાના નઝરુલ મંચ ખાતે વિવેકાનંદ કોલેજ દ્વારા આયોજિત એક કોન્સર્ટમાં લાઈવ પરફોર્મન્સ આપી રહ્યા હતા. 10 વાગ્યાના સુમારે તેઓ સ્ટેજ પર ગીત ગાતા હતા એ જ વખતે એમની તબિયત બગડી હતી. એમણે બેચેની થતી હોવાની ફરિયાદ કરી હતી અને બ્રેક લીધો હતો. એમને જ્યાં ઉતારો અપાયો હતો તે હોટેલ ખાતે લઈ જવામાં આવ્યા હતા. ત્યાં રૂમનું એરકન્ડિશનર ચાલુ કરાતા જ એમણે ઠંડી લાગતી હોવાની ફરિયાદ કરી હતી. એ પછી તરત જ તેઓ ઢળી પડ્યા હતા. એમને CMRI હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, પણ ડોક્ટરોએ એમને મૃત લાવેલા જાહેર કર્યા હતા.

બે કલાકના કોન્સર્ટમાં કેકેએ એક કલાક સુધી પરફોર્મ કર્યું હતું, પરંતુ બાદમાં એમની તબિયત બગડી હતી.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી, બોલીવુડ અભિનેતા અક્ષયકુમાર સહિત અનેક જણે ટ્વિટરના માધ્યમથી કેકેના અકાળે મૃત્યુ અંગે આઘાત અને દુઃખની લાગણી વ્યક્ત કરી છે. વડા પ્રધાન મોદીએ ટ્વીટમાં લખ્યું છે કે, ‘કેકે એમણે ગાયેલા ગીતો દ્વારા યાદ રહી જશે.’

કેકેના પરિવારમાં એમના પત્ની જ્યોતિ ક્રિષ્ના એક પુત્ર નકુલ અને એક પુત્રી તામરા છે. તેઓ નવી દિલ્હીમાં રહે છે. ગઈ કાલે કેકેના અકાળે નિધનના સમાચાર મળતાં તરત જ તેઓ કોલકાતા માટે રવાના થયાં હતાં.

કેકે મ્યુઝિક આલબમ ‘પલ’થી જાણીતા થયા હતા. એમણે ગાયેલું ‘પ્યાર કે પલ’ ગીત ખૂબ પસંદ કરાયું હતું, ખાસ કરીને સગીર વયનાં લોકોમાં. બાદમાં તેઓ અનેક ફિલ્મો માટે પાર્શ્વગાયક બન્યા હતા. બોલીવુડમાં એમનું સૌથી પહેલું ગીત હતું, ‘માચિસ’ ફિલ્મનું ‘છોડ આયે હમ વોહ ગલિયાં’. એમના અન્ય લોકપ્રિય ગીતો છેઃ ‘આંખોં મેં તેરી’ (ઓમ શાંતિ ઓમ), ‘ઝરા સા’ (જન્નત), ‘ખુદા જાને’ (બચના ઐ હસીનો) વગેરે. હિન્દી ઉપરાંત કે.કે.એ તામિલ, તેલુગુ, મરાઠી, કન્નડ, બંગાળી, મલયાલમ, ગુજરાતી અને આસામી ભાષાઓમાં પણ ગીતો ગાયા હતા.

કેકેએ ગાયેલા અમુક હિટ ફિલ્મી ગીતોઃ

 

https://youtu.be/2bVo3ID_UpU