મૂસેવાલાની હત્યાઃ એમના મિત્ર મિકાસિંહની સુરક્ષા વધારાઈ

જોધપુરઃ સિધુ મૂસેવાલાની હત્યાના સંદર્ભમાં અન્ય પંજાબી ગાયક મિકાસિંહને પોલીસ રક્ષણ પૂરું પાડવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે મિકાસિંહે એવો ઘટસ્ફોટ કર્યો હતો કે ગાયક-નેતા મૂસેવાલાને ગેંગસ્ટરો તરફથી ધમકી મળી હતી અને ત્યારબાદ ગયા રવિવારે એને ઠાર મારવામાં આવ્યા હતા. મિકાસિંહ હાલ જોધપુરમાં એક રિયાલિટી ટીવી શૉનું શૂટિંગ કરી રહ્યા છે. એમની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. જોધપુરમાં એમણે જ્યાં ઉતારો મેળવ્યો છે તે હોટેલ ધ ઉમ્મેદની બહાર એક પોલીસ ટૂકડીને તહેનાત કરવામાં આવી છે. જ્યારે અમુક પોલીસજવાન હોટેલની અંદર પહેરો ભરશે. જોધપુરના ડેપ્યૂટી પોલીસ કમિશનર ભૂવન ભૂષણ યાદવે કહ્યું છે કે સુરક્ષા બંદોબસ્ત વધારવાની મિકાસિંહે પોલીસને કોઈ વિનંતી કરી નથી પરંતુ સિધુ મૂસેવાલાની હત્યાને પગલે સાવચેતીના પગલા તરીકે અમે જાતે જ મિકાસિંહની સુરક્ષા વધારવાનું નક્કી કર્યું છે.

મિકાસિંહ મૂસેવાલાના ખાસ મિત્ર હતા. મિકાએ ઈન્ડિયા ટૂડે ટીવીને એક મુલાકાતમાં કહ્યું હતું કે મૂસેવાલાને ગેંગસ્ટરો તરફથી અનેક વાર ધમકી મળી હતી. પંજાબમાં એક મોટી ગેંગ સક્રિય છે અને મૂસેવાલાની હત્યામાં એનો જ હાથ છે.

28 વર્ષીય મૂસેવાલાને ગયા રવિવારે પંજાબના માનસા જિલ્લામાં અજાણ્યા હુમલાખોરોએ ઠાર કર્યા હતા. મૂસેવાલાના આજે એમના વતન શહેર માનસામાં અંતિમસંસ્કાર કરવામાં આવ્યા હતા. પંજાબ સરકારે મૂસેવાલાની સુરક્ષા હટાવી લીધાના બીજા જ દિવસે એમની હત્યા કરવામાં આવી હતી. ગોલ્ડી બ્રાર નામના એક ગેંગસ્ટરે દાવો કર્યો હતો કે મૂસેવાલાની હત્યા લોરેન્સ બિશ્નોઈ ગેંગે કરી છે. બ્રારને બિશ્નોઈ ગેંગ સાથે નિકટનો સંબંધ છે.