અનુષ્કાએ ‘ચકડા એક્સપ્રેસ’ ફિલ્મનું શૂટિંગ શરૂ કર્યું

મુંબઈઃ પ્રથમ સંતાનરૂપે પુત્રીની માતા બન્યાં બાદ બોલીવુડ અભિનેત્રી અનુષ્કા શર્મા ફિલ્મકારકિર્દીના કામકાજમાં પરત ફરી છે. તેણે નવી ફિલ્મ ‘ચકડા એક્સપ્રેસ’નું શૂટિંગ શરૂ કર્યું છે. આ ફિલ્મ ક્રિકેટર બનવા માટે ભારતની મહિલા ફાસ્ટ બોલર ઝુલન ગોસ્વામીનાં જીવનની પ્રેરણાત્મક સફર પર આધારિત છે. અનુષ્કા આ પહેલાં અનેક ફિલ્મોમાં પોતાની સશક્ત અભિનયશક્તિનું પ્રદર્શન કરી ચૂકી છે. ‘ચકડા એક્સપ્રેસ’નું શૂટિંગ ભારત અને ઈંગ્લેન્ડમાં કરવામાં આવશે. ઈંગ્લેન્ડમાં શૂટિંગનું 30-દિવસનું શેડ્યૂલ હશે. અનુષ્કા અને એનો ક્રિકેટર પતિ વિરાટ કોહલી એક સંતાન – દીકરી વામિકાનાં માતાપિતા છે. અનુષ્કા પાંચ વર્ષ પહેલાં ‘ઝીરો’ ફિલ્મમાં ચમકી હતી.

અનેક પડકારો અને વિઘ્નો આવ્યા હતા તે છતાં ઝુલન ભારત વતી ક્રિકેટ રમવાનું તેનું સપનું સાકાર કરવાના માર્ગ પર આગળ વધતી જ રહી હતી. આખરે તે એનાં ધ્યેયમાં સફળ થઈ હતી. તે રાષ્ટ્રીય ટીમની સદસ્ય બની અને આગળ જતાં કેપ્ટન પણ બની હતી. સરકારે 2018માં, ઝૂલનની જીવનસફરની કદરરૂપે એક ટપાલટિકિટ પણ બહાર પાડી હતી. ઝુલન આંતરરાષ્ટ્રીય સ્તરે સૌથી વધારે વિકેટ લેવાનો વિક્રમ ધરાવે છે. ઝુલન ભારત વતી 12 ટેસ્ટ મેચ, 199 વન-ડે ઈન્ટરનેશનલ અને 68 ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચો રમી છે. વન-ડે ક્રિકેટમાં સૌથી વધારે (250) વિકેટ લેવાનો તે વિશ્વવિક્રમ ધરાવે છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]