શેખર સુમનના બનેવી 22 દિવસથી ગૂમ છે

પટનાઃ બોલીવુડ અભિનેતા શેખર સુમનના બનેવી ડો. સંજય કુમાર બિહારમાં છેલ્લા 22 દિવસથી ગૂમ થયા છે. એમણે માગણી કરી છે કે આ મામલે સીબીઆઈ દ્વારા તપાસ કરાવવી જોઈએ. તેઓ ગઈ કાલે રાજ્યના મુખ્ય પ્રધાન નીતિશકુમાર અને નાયબ મુખ્ય પ્રધાન તેજસ્વી યાદવને મળ્યા હતા અને એમને વિનંતી કરી હતી કે તેઓ એમના બનેવીને શોધી કાઢવામાં મદદ કરે, કારણ કે પટનાની પોલીસને હજી સુધી કોઈ કડી મળી નથી.

ડો. સંજય કુમાર નાલંદા મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં સેવા બજાવે છે જ્યારે એમના પત્ની અને શેખરના બહેન સલોની કુમારી પટના કોમર્સ કોલેજમાં પ્રોફેસર છે. શેખરે કહ્યું કે ડો. સંજય છેલ્લે એમની કારમાં બેસીને રવાના થયા બાદ મહાત્મા ગાંધી સેતુ પર જોવા મળ્યા હતા. પરિવારને કોઈ પ્રકારની ખંડણીનો કોલ આવ્યો નથી એમ પણ શેખરે કહ્યું છે. બનેવી ગૂમ થયા છે ત્યારથી બહેન સલોનીની હાલત રડી રડીને ખરાબ થઈ ગઈ છે.