મુંબઈઃ અભિનેતા અને નિર્માતા શેખર સુમને કહ્યું છે કે યુવા અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મુંબઈમાં નિપજેલા મરણની ઘટનામાં સીબીઆઈ દ્વારા તપાસ કરવાની માગણી કરવા પોતે એક ફોરમની રચના કરી છે.
સુશાંત સિંહે મુંબઈના બાન્દ્રા (વેસ્ટ) ઉપનગરમાં તેના ઘરમાં ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી હોવાનું પોલીસનું માનવું છે. ડિપ્રેશનને કારણે એણે આવું અંતિમ પગલું ભર્યું હોવાનું મનાય છે. પરંતુ અભિનય ક્ષેત્રની અમુક વ્યક્તિઓએ સુશાંતના મૃત્યુ માટે બોલીવૂડમાં સક્રિય મૂવી માફિયાઓને જવાબદાર ગણાવ્યા છે. અભિનેત્રી કંગના રણૌતે સુશાંતના મોતને પ્લાન્ડ મર્ડર તરીકે ઓળખાવ્યું છે.
ટીવી સિરિયલ મહાભારતમાં દ્રૌપદીનો રોલ કરનાર અને પશ્ચિમ બંગાળમાં ભાજપનાં સંસદસભ્ય રૂપા ગાંગુલીએ પણ સુશાંતના મોતના કેસમાં સીબીઆઈ દ્વારા તપાસ કરાવવાની માગણી કરી છે.
શેખર સુમને કહ્યું છે કે ભવિષ્યમાં આ પ્રકારની દુર્ઘટના ફરી બનતી રોકવા માટે તમામ પ્રયાસો કરવાની જરૂર છે.
શેખરે ટ્વિટર પર લખ્યું છે કે, એક વાત તો સ્પષ્ટ છે કે જો ધારી લઈએ કે સુશાંત સિંહે આત્મહત્યા કરી હતી તો એ જે રીતે પ્રામાણિકપણે જિંદગી જીવતો હતો એ જોતાં એણે પોતાની સુસાઈડ નોટ મૂકી જ હોવી જોઈએ. મારું દિલ કહે છે કે આ કેસમાં ઘણું ધ્યાન આપવાની જરૂર છે. સુશાંત બિહારી હતો અને એ નાતે મારી બિહારી સંવેદના ઉભરી આવી છે, પરંતુ આમ કહીને હું ભારતના અન્ય રાજ્યોના લોકોની સંવેદનાનું સત્ય નકારી કાઢવા માગતો નથી અને સુશાંત જેવી દુર્ઘટના ભવિષ્યમાં ફરી કોઈ યુવા ટેલેન્ટ સાથે બનવી ન જોઈએ.
શેખરે વધુમાં લખ્યું છે કે, મેં એક ફોરમ બનાવ્યું છે – #justiceforSushantforum. આ દ્વારા હું સરકાર પર દબાણ લાવવા માગું છું કે તે સુશાંતના નિધનના કેસમાં સીબીઆઈ દ્વારા તપાસ કરાવે.
સુશાંત સિંહ રાજપૂત ગઈ 14 જૂને તેના ઘરમાં મૃત્યુ પામેલી હાલતમાં મળી આવ્યો હતો. એના અકાળે મૃત્યુથી તેના ચાહકો અને બોલીવૂડની હસ્તીઓમાં આઘાત અને દુઃખની લાગણી ફરી વળી છે.
રૂપા ગાંગુલીની પણ સીબીઆઈ તપાસની માગણી
દરમિયાન, મહાભારત ટીવી સિરિયલમાં દ્રૌપદીનો રોલ કરનાર રૂપા ગાંગુલીએ પણ સુશાંતના મોતમાં સીબીઆઈ તપાસની માગણી કરી છે. એક ટ્વીટમાં એમણે સવાલ કર્યો છે કે શું તપાસ ઉતાવળે કરવામાં આવી હતી? ફોરેન્સિક ટીમ દુર્ઘટનાના છેક બીજા દિવસે, એટલે કે 15 જૂને સા માટે પહોંચી હતી?
Was the investigation done in a hurry and why forensic team reached on 15th June#cbiforsushant #roopaganuly #AmitShah #NarendraModi pic.twitter.com/LpjAv45lg8
— Roopa Ganguly (@RoopaSpeaks) June 23, 2020