સુશાંત સિંહની આખરી ફિલ્મ ‘દિલ બેચારા’ 24 જુલાઈએ ડિજિટલી રિલીઝ કરાશે

મુંબઈઃ ગઈ 14 જૂને મુંબઈમાં પોતાના ઘરમાં મૃત અવસ્થામાં મળી આવેલા યુવા અભિનેતા સુશાંત સિંહ રાજપૂત અભિનીત આખરી હિન્દી ફિલ્મ ‘દિલ બેચારા’ને 24 જુલાઈએ ડિઝની પ્લસ – હોટસ્ટાર પર રિલીઝ કરવામાં આવશે. આ ફિલ્મ હોલિવૂડની ફિલ્મ ‘ધ ફોલ્ટ ઘ ઓવર સ્ટાર્સ’ની રીમેક છે.

કોરોના વાઈરસ મહાબીમારીના ફેલાવાને કારણે હાલ દેશભરમાં થિયેટરો બંધ છે તેથી ‘દિલ બેચારા’ને ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ કરવામાં આવશે.

આ ફિલ્મમાં સુશાંત ઉપરાંત સંજના સાંઘી અને સૈફ અલી ખાન, મિલિંદ ગુનાજી અને જાવેદ જાફરીની પણ ભૂમિકા છે. સંજનાની આ પહેલી જ હિન્દી ફિલ્મ છે. એવી જ રીતે, દિગ્દર્શક તરીકે મુકેશ છાબરાની પણ આ પહેલી જ ફિલ્મ છે.

‘દિલ બેચારા’ની ડિજિટલ રિલીઝની જાહેરાત સંજના સાંઘીએ સોશિયલ મિડિયા પર કરી છે. એણે લખ્યું છેઃ ‘પ્રેમ, આશા અને અનંત યાદોંની વાર્તા. અમારા સૌથી પ્રિય અને દિવંગત સુશાંત સિંહ રાજપૂતની યાદમાં.’

સંજનાએ એમ પણ કહ્યું છે કે ફિલ્મ ડિઝની પ્લસ હોટસ્ટારના ધારકો તેમજ બિન-ધારકો માટે ઉપલબ્ધ થશે.

કોરોનાને કારણે થિયેટરોમાં રિલીઝ ન થઈ શકનાર ‘દિલ બેચારા’ ત્રીજી બોલીવૂડ ફિલ્મ હશે. આ પહેલાં અમિતાભ બચ્ચન, આયુષ્માન ખુરાના અભિનીત ‘ગુલાબો સિતાબો’ એમેઝોન પ્રાઈમ વિડિયો પર રિલીઝ કરાઈ હતી જ્યારે જાન્વી કપૂર અભિનીત ‘ગુંજન સક્સેનાઃ ધ કારગિલ ગર્લ’ને નેટફ્લિક્સ પર રિલીઝ કરવામાં આવનાર છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]