મુંબઈઃ બોલીવુડ સુપરસ્ટાર શાહરૂખ ખાન એની નવી ફિલ્મ ‘ડંકી’ની રિલીઝ માટે સજ્જ થઈ રહ્યો છે. આજે એણે એના કારકાફલામાં હુંડઈની ભારતમાંની સૌથી મોંઘી કારનો ઉમેરો કર્યો છે. હુંડઈ તરફથી એને ‘Ioniq 5 EV’ કાર આજે સુપરત કરાઈ. શાહરૂખ કોરિયાની હુંડઈ મોટર્સ કંપની સાથે 25 વર્ષથી સંકળાયેલો રહ્યો છે. એની પાસે આ કંપનીની અનેક કાર છે.
‘Ioniq 5 EV’ની કિંમત રૂ. 45 લાખ 95 હજાર છે. શાહરૂખ પાસે જેટલી કાર છે એમાં આ પહેલી ઈલેક્ટ્રિક વેહિકલ કાર છે. એના કાફલામાં ભારતની સૌથી મોંઘી કાર ‘રોલ્સ-રોયસ કલિનન બ્લેક બેજ’ છે, જેની કિંમત 7 કરોડ રૂપિયા છે. એની પાસે રૂ. 3-4 કરોડની કિંમતની બેન્ટલે કોન્ટિનેન્ટલ GT કાર, ઓડી A6 (રૂ. 65 લાખ), BMW i8 (રૂ. 2.6 કરોડ), મિત્સુબિશી પજેરો (રૂ. 30-35 લાખ), બીએમડબલ્યૂ 6-સીરિઝ (રૂ.1.30 કરોડ) જેવી કાર પણ છે. શાહરૂખને વેચેલી કાર હુંડઈએ ભારતમાં આ વર્ષમાં વેચેલી આ 1,100મી ‘Ioniq 5 EV’ કાર છે. આ વર્ષના જાન્યુઆરીમાં ઉત્તર પ્રદેશના ગ્રેટર નોઈડામાં યોજાઈ ગયેલા ઓટો-એક્સ્પો-2023માં શાહરૂખે જ આ કારનું અનાવરણ કર્યું હતું. આ કાર સિંગલ ચાર્જમાં આશરે 631 કિ.મી.નું અંતર કવર કરે છે.