‘સામ બહાદુર’માં વિકીની અભિનયક્ષમતાથી તેંડુલકર ખૂબ પ્રભાવિત

મુંબઈઃ બોલીવુડ અભિનેતા વિકી કૌશલ એ વાતે ખૂબ જ રોમાંચિત થઈ ગયો છે કે એના નાનપણના હિરો સચીન તેંડુલકરે પોતાની હાલમાં જ રિલીઝ થયેલી હિન્દી ફિલ્મ ‘સામ બહાદુર’ જોઈ. ફિલ્મ વિશે તેંડુલકરે પોતાને પ્રશંસાના જે શબ્દો કહ્યા છે એ પોતે જિંદગીભર યાદ રાખશે એમ વિકીએ કહ્યું છે.

‘સામ બહાદુર’ ફિલ્મ ભારતના ભૂતપૂર્વ લશ્કરી વડા અને દેશના પ્રથમ ફિલ્ડ માર્શલ સામ માણેકશાના જીવન પર આધારિત છે. ફિલ્મમાં વિકી ઉપરાંત ફાતિમા સના શેખ અને સાન્યા મલ્હોત્રા પણ મુખ્ય ભૂમિકાઓમાં છે. ગઈ કાલે રાતે અહીં આ ફિલ્મનો એક ખાસ શો રાખવામાં આવ્યો હતો જેમાં તેંડુલકરને પણ આમંત્રિત કરવામાં આવ્યા હતા. ફિલ્મ જોયા પછી એમણે એક મીડિયાકર્મી સાથેની વીડિયો વાતચીતમાં કહ્યું હતું, ‘બહુત અચ્છી ફિલ્મ હૈ. જરૂર દેખીયેગા. હું તો વિકીની એક્ટિંગથી સુપર ઈમ્પ્રેસ થયો છું. દેખ કે ઐસા લગા કી ફિલ્ડ માર્શલ સામ માણેકશા એક્ચ્યુઅલ મેં હમારે સામને હૈ. હાવભાવ અદ્દભુત હતા. જો તમે આપણા દેશના ઈતિહાસ વિશે જાણવા માગતા હો તો તમારે આ ફિલ્મ જરૂર જોવી જોઈએ. દરેક પેઢી માટે આ બહુ જ મહત્ત્વની છે.’

તેંડુલકરે એમના X અને વિકીએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તસવીરો પોસ્ટ કરી છે. વિકીએ કેપ્શનમાં લખ્યું છે: ‘મારા નાનપણના હિરોએ આજે મારી ફિલ્મ જોઈ. આભાર સચીન તેંડુલકર સર, તમારા નમ્ર અભિપ્રાય બદલ… મને જીવનભર યાદ રહેશે.’

‘સામ બહાદુર’ ફિલ્મનું દિગ્દર્શન મેઘના ગુલઝારે કર્યું છે.