ટીવી અભિનેત્રી વૈભવી ઉપાધ્યાયનું કાર અકસ્માતમાં નિધન

મુંબઈઃ હિન્દી ટીવી સિરિયલ ‘સારાભાઈ વર્સીસ સારાભાઈ’માં જાસ્મીન માવાણી તરીકે અભિનય કરનાર યુવા અભિનેત્રી વૈભવી ઉપાધ્યાયનું ગઈ કાલે ચંડીગઢમાં એક કાર અકસ્માતમાં દુઃખદ નિધન થયું છે. આ કમનસીબ સમાચાર નિર્માતા-અભિનેતા જમનાદાસ મજિઠીયા (જેડી)એ શેર કર્યા છે. વૈભવી હવે હયાત નથી એ પોતાને માનવામાં નથી આવતું એવું એમણે કહ્યું.

જેડીએ વધુમાં કહ્યું કે, વૈભવી એમનાં ફિયાન્સ સાથે કારમાં પ્રવાસ કરી રહ્યાં હતાં ત્યારે એક વળાંક વખતે તેઓ કાર પરનો અંકુશ ખોઈ બેસતાં કાર ખીણમાં પડી ગઈ હતી. દુર્ઘટનાની જાણ થતાં વૈભવીનાં ભાઈ તરત જ ચંડીગઢ દોડી ગયા હતા. વૈભવીનાં પાર્થિવ શરીરને મુંબઈ લાવવામાં આવશે અને મુંબઈમાં અગ્નિસંસ્કાર કરવામાં આવશે.

જેડીએ કહ્યું કે, વૈભવી અત્યંત ઉમદા સ્વભાવની હતી અને અસાધારણ ટેલેન્ટ ધરાવનાર અભિનેત્રી હતી. ‘સારાભાઈ વર્સીસ સારાભાઈ’ સિરિયલમાં એણે જાસ્મીનનું જે પાત્ર ભજવ્યું હતું તેણે મારા દિલમાં એક ખાસ સ્થાન બનાવ્યું છે. જીવન એકદમ અણધાર્યું છે. એના વિશે કોઈ પ્રકારની ધારણા કરી શકાતી નથી.

32 વર્ષીય વૈભવી ઉપાધ્યાયનાં નિધન અંગે દેવેન ભોજાણી સહિત ટીવી ઉદ્યોગમાંના એમનાં સાથી કલાકારો તથા સહયોગીઓએ ઘેરા દુઃખ અને આઘાતની લાગણી વ્યક્ત કરી છે.

વૈભવીએ ‘સીઆઈડી’, ‘અદાલત’ જેવી ટીવી સિરિયલોમાં પણ કામ કર્યું હતું. એણે 2020માં આવેલી હિન્દી ફિલ્મ ‘છપાક’માં દીપિકા પદુકોણ સાથે પણ અભિનય કર્યો હતો. રહસ્ય-રોમાંચસભર હિન્દી ફિલ્મ ‘તિમિર’માં વૈભવીએ ઈન્વેસ્ટિગેટિવ પત્રકાર રિતીકાનો રોલ ભજવ્યો છે. આ ફિલ્મ આવતી 31 મેએ રિલીઝ થવાનું નિર્ધારિત છે.