સ્કૂલના દિવસોમાં હું સંજય દત્ત પર બહુ મરતી હતીઃ મનીષા કોઈરાલા

મુંબઈ – બોલીવૂડ અભિનેત્રી મનીષા કોઈરાલાએ કહ્યું છે કે એ જ્યારે સ્કૂલગર્લ હતી ત્યારે અભિનેતા સંજય દત્ત પર ખૂબ મરતી હતી.

એક મુલાકાતમાં મનીષાએ કહ્યું છે કે, ‘એ પછી મને એની સાથે ફિલ્મોમાં કામ કરવાનું નસીબ પ્રાપ્ત થયું હતું. એક ફિલ્મના શૂટિંગ વખતે સંજયે મારી મજાક કરતા કહ્યું હતું કે તું હવે મારી પર કેમ મરતી નથી? ત્યારે મેં જવાબ આપ્યો હતો કે હવે તો તું મારો સાથી બની ગયો છે.’

સંજય અને મનીષા 10 વર્ષ બાદ ફરી ફિલ્મમાં ભેગાં થયાં છે. બંને જણ આગામી નવી ફિલ્મ ‘પ્રસ્થાનમ’માં સાથે કામ કરી રહ્યાં છે. બંને જણ આ પહેલાં ‘યલગાર’, ‘કારતૂસ’ અને ‘બાગી’ ફિલ્મમાં કામ કરી ચૂક્યાં છે.

એક મુલાકાતમાં મનીષાએ સંજય સાથેની પોતાની જૂની યાદોને તાજી કરી છે.

એણે કહ્યું કે, ‘હું સ્કૂલના ટાઈમથી સંજયની ફેન હતી. એ વખતે એની ‘રોકી’ ફિલ્મ રિલીઝ થઈ હતી. એ ઉંમરમાં એ મારો સ્ટાર હીરો હતો.’

આગામી ફિલ્મ ‘સંજુ’માં મનીષાએ સંજય દત્તની માતા નરગીસનો રોલ કર્યો છે તો ‘પ્રસ્થાનમ’માં એ સંજયની પત્નીનાં રોલમાં જોવા મળશે.

‘સંજુ’માં મનીષાએ નરગીસનો રોલ કર્યો છે જેમનું નિધન કેન્સરના રોગથી થયું હતું. યોગાનુયોગ, મનીષા પણ એક સમયે કેન્સરનો ભોગ બની હતી, પરંતુ સદ્દભાગ્યે એની સામે જંગ ખેલીને જીતી ગઈ છે.