સલમાને ‘પ્યાર કરોના’ ગીતથી યૂટ્યૂબ પર કર્યો પ્રવેશ

મુંબઈઃ બોલીવૂડ સુપરસ્ટાર સલમાન ખાને યૂટ્યૂબ ચેનલ પર પોતાના સ્વરમાં ગાયેલું પહેલું ગીત રિલીઝ કર્યું છે. આ ગીતનું સંગીત પીરસ્યું છે સાજિદ ખાન-વાજિદ ખાનની જોડીએ.

સલમાન ખાનના આ વિડિયો ગીતની એના પ્રશંસકો આતુરતાપૂર્વક રાહ જોતા હતા, આખરે આજે એણે આ ગીત રિલીઝ કરી દીધું છે.

કોરોના વાઈરસ ફેલાયો છે ત્યારથી સલમાન ખાન લોકોને આ રોગચાળાથી સુરક્ષિત રહેવા મામલે અપીલ કરવા સોશિયલ મિડિયા પર ઘણો સક્રિય રહ્યો છે. ઈન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર એ લોકોને આ મહાબીમારીથી બચવા સાવચેત કરતો રહ્યો છે.

હવે એ યૂટ્યૂબ પ્લેટફોર્મ ઉપર પણ ઉતરી આવ્યો છે.

સલમાને પોતાની આગવી સ્ટાઈલમાં ગીત ગાઈને યૂટ્યૂબ પર ડેબ્યૂ કર્યું છે.

આ ગીત દ્વારા એણે દરેક જણને સંદેશ આપ્યો છે કે કોરોના વાઈરસનો ફેલાવો રોકવા સૌ ઘરમાં જ રહો, ઘેરથી કામ કરો, પરિવારજનો સાથે સમય વિતાવો, ડોક્ટરો, પોલીસોનો આદર કરો અને આ લડાઈમાં આખા દેશની સાથે જ રહો.

એણે ‘સલમાન ખાન’ નામે યૂટ્યૂબ ચેનલ શરૂ કરી છે. ‘પ્યાર કરોના’ ગીતની એણે આ માધ્યમ પર પ્રીમિયર રજૂઆત કરી છે.

કોરોના બીમારી પ્રતિ જનજાગૃતિ ફેલાવતા આ ગીતનાં શબ્દો સલમાન ખાન અને હુસૈન દલાલે મળીને લખ્યા છે.