મુંબઈઃ સુશાંત સિંહ રાજપૂતના નિધનને એક મહિનાથી વધુનો સમય થઈ ગયો છે અને તેણે આત્મહત્યા કેમ કરી એનું નક્કર કારણ હજી સુધી પોલીસ જાણી શકી નથી. હવે આ મામલે સીબીઆઇ દ્વારા તપાસ કરાવવાની સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તિએ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહને વિનંતી કરી છે.
રિયાએ સુશાંતનો ફોટો શેર કરતાં લખ્યું છે કે, ‘આદરણીય અમિત શાહ સર, હું સુશાંત સિંહ રાજપૂતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી – એના આકસ્મિક નિધનને એક મહિનાથી વધુનો સમય થઈ ગયો છે. મને સરકાર પર સંપૂર્ણ વિશ્વાસ છે, પણ હું ન્યાય માટે બે હાથ જોડીને તમને અપીલ કરું છું કે આ મામલે સીબીઆઇની તપાસ કરવામાં આવે. હું બસ, એટલું ઇચ્છું છું કે સુશાંત એવા કયા દબાણમાં હતો કે તેણે આવું પગલું ભર્યું. સત્યમેવ જયતે.’
રિયાની ઇમોશનલ પોસ્ટ
અગાઉ, રિયાએ સુશાંતના નિધનને એક મહિનો પૂરો થયા પછી એક ઇમોશનલ પોસ્ટ સોશિયલ મિડિયા પર શેર કરી હતી. એમાં તેણે લખ્યું હતું કે, ‘હું હજી પણ મારી ભાવનાઓનો સામનો કરવા સંઘર્ષ કરી રહી છું. તેં જ મને પ્રેમ પર વિશ્વાસ કરવાનું શીખવાડ્યું છે. એની તાકાત વિશે અહેસાસ કરાવ્યો છે. તે મને ગણિતના એક સામાન્ય સમીકરણથી જિંદગીનો નિષ્કર્ષ શીખવાડ્યો છે. મને ખબર છે કે હવે તું એવી જગ્યાએ છો જ્યાં વધારે શાંતિ છે. આકાશગંગાએ ખુલ્લા હાથે તારું સ્વાગત કર્યું છે. હું તારી રાહ જોઈશ. તું એ બધું જ હતો, જે એક ખૂબસૂરત માનવી હોઈ શકે છે.’
રિયાને મળી બળાત્કાર અને હત્યાની ધમકી
દરમિયાન, રિયાએ કહ્યું છે કે એની પર બળાત્કાર ગૂજારવાની અને એની હત્યા કરવાની એને ધમકી મળી છે. રિયાએ સોશિયલ મિડિયા પર એક પોસ્ટ દ્વારા જણાવ્યું છે કે તેને સતત ટ્રોલ કરવામાં આવી રહી છે. આટલું જ નહીં તેને ધમકીઓ પણ આપવામાં આવી રહી છે. રિયાએ એની ફરિયાદ સાઇબર ક્રાઇમને કરી છે. રિયાએ લખ્યું છે કે મારી ચુપકીદીનો કોઈ લાભ ન ઉઠાવે. મને હત્યારી કહેવામાં આવી છતાં હું ચૂપ રહી, પણ એનો અર્થ એ નથી કે તમને કંઈ પણ કહેવાનો અધિકાર મળી જાય છે.
સુશાંત સિંહ રાજપૂત ગઈ 14 જૂને મુંબઈના બાંદરામાં તેના નિવાસસ્થાને આત્મહત્યા કરેલી અવસ્થામાં મળી આવ્યો હતો.