મહારાષ્ટ્રના ગૃહપ્રધાનઃ સુશાંત મોત કેસમાં CBI તપાસની જરૂર નથી

મુંબઈઃ બોલીવૂડના તેજસ્વી યુવા અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુથી બોલીવૂડજગતમાં અને સુશાંતના પ્રશંસકોમાં શોક ફરી વળ્યો છે. સુશાંત ગઈ 14 જૂને મુંબઈના બાન્દ્રા (વેસ્ટ)માં તેના નિવાસસ્થાનમાં મૃત અવસ્થામાં મૃત મળી આવ્યો હતો. પોલીસનું પ્રાથમિકપણે માનવું છે કે આ આત્મહત્યાનો કેસ છે, પરંતુ તે હજી નિષ્કર્ષ પહોંચી શકી નથી. દરમિયાન અનેક સ્તરેથી માગણી ઊભી થઈ છે કે સુશાંતના મોતના કેસમાં કેન્દ્રીય એજન્સી સીબીઆઈ દ્વારા તપાસ કરાવવામાં આવે. આ માગણી સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તિએ પણ કરી છે.

પરંતુ, મહારાષ્ટ્રના ગૃહ પ્રધાન અનિલ દેશમુખે આવી અપીલને નકારી કાઢી છે. એમનું કહેવું છે કે આ કેસમાં સીબીઆઈ દ્વારા તપાસ કરાવવાની કોઈ જરૂર નથી.

પોલીસ કેસની તપાસ કરવા સક્ષમ છે. આ કેસમાં ધંધાકીય હરીફાઈના દ્રષ્ટિકોણ વિશે પણ પોલીસ તપાસ કરી રહી છે.

પ્રાથમિક તપાસ પરથી પોલીસને એવું જાણવા મળ્યું છે કે 34 વર્ષીય સુશાંત ડીપ્રેશનમાં હતો અને એ માટે દવા પણ લેતો હતો.

દેશમુખે કહ્યું છે કે પોલીસ આ કેસના સંબંધમાં અનેક વ્યક્તિની પૂછપરછ કરી રહી છે અને એમના નિવેદનો રેકોર્ડ કરી રહી છે. આમાં સીબીઆઈ તપાસની કોઈ જરૂર નથી. આપણા પોલીસ અધિકારીઓ સક્ષમ છે અને યોગ્ય રીતે તપાસ કરી રહ્યા છે.

તપાસનીશ પોલીસ અધિકારીઓ અત્યાર સુધીમાં રિયા, નિર્માતા સંજય લીલા ભણસાલી, દિગ્દર્શક મુકેશ છાબરા, સુશાંતના પરિવારજનો સહિત અનેક વ્યક્તિઓની પૂછપરછ કરી ચૂક્યા છે.

સુશાંત સિંહ રાજપૂત ‘શુદ્ધ દેસી રોમાન્સ’, ‘રાબતા’, ‘કેદારનાથ’, ‘સોનચિડિયા’, ‘એમ.એસ. ધોનીઃ ધ અનટોલ્ડ સ્ટોરી’, ‘છીછોરે’ ફિલ્મોમાં ચમક્યો હતો.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]