મુંબઈઃ કોરોના વાઈરસને કારણે મુંબઈ શહેરમાં પરિસ્થિતિ ઘણી ખરાબ છે. શહેરમાં ખૂબ જ ઝડપે વાઈરસ ફેલાઈ રહ્યો છે. દર્દીઓની સંખ્યા રોજેરોજ વધી રહી છે. બોલીવુડ અભિનેત્રી મલાઈકા અરોરા બાન્દ્રા (વેસ્ટ) ઉપનગરમાં જ્યાં રહે છે તે ‘ટસ્કેની’ સોસાયટીના મકાનને મહાનગરપાલિકાએ સીલ કરી દીધું છે, કારણ કે એમાં રહેતા એક જણનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે.
લોકડાઉનમાં છૂટછાટ બાદ કોરોના વાઈરસ ભારતમાં ખૂબ જ ઝડપે ફેલાઈ રહ્યો છે. સાવચેતીના પગલા તરીકે મલાઈકાના સમગ્ર બિલ્ડિંગને ગઈ 8 જૂનથી સીલ કરી દેવામાં આવ્યું છે. આ સમગ્ર વિસ્તારને કન્ટેઈનમેન્ટ ઝોન બનાવી દેવામાં આવ્યો છે અને ત્યાં રહેતા લોકોને ઘરની બહાર નીકળવાની મનાઈ ફરમાવી દેવામાં આવી છે.
મલાઈકા લોકડાઉન શરૂ થયું ત્યારથી અભિનેતા અર્જૂન કપૂરની સાથે એના ઘરમાં રહેતી હતી. પણ ગઈ 1 જૂનથી લોકડાઉનમાં છૂટછાટ આપવામાં આવ્યા બાદ મલાઈકા એનાં પુત્ર અરહાનની સાથે ‘ટસ્કેની’માં રહેવા આવી ગઈ છે.
બોલીવૂડના અનેક કલાકારો અને હસ્તીઓ કોરોના સંબંધિત ઝપટમાં આવી ચૂક્યા છે. જાન્હવી કપૂર, કરણ જોહર, વિકી કૌશલ, રાજકુમાર રાવ સહિતના સેલિબ્રિટીના મકાનો પણ કોરોનાના પોઝિટીવ કેસ થવાને કારણે સીલ થઈ ચૂકી છે. જાન્હવી અને કરણ જોહરના ઘરમાં એમના નોકરોનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો.