ટીવી અભિનેતા જગેશ મુકાતીનું નિધન: અસ્થમાથી પીડિત હતા

મુંબઈઃ ટીવી સિરિયલના અભિનેતા જગેશ મુકાતીનું નિધન થયું છે. લોકપ્રિય ટીવી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં ‘મિસિસ હાથી’ની ભૂમિકા ભજવતા અભિનેત્રી અંબિકા રંજનકરે આ દુઃખદ સમાચારની જાણ સોશિયલ મીડિયા પર કરી. તેમણે જણાવ્યું કે ટીવી અભિનેતા અને ગુજરાતી રંગભૂમિના કલાકાર જગેશ મુકાતીનું બુધવારે નિધન થયું છે. મુકાતી ‘અમિતા કા અમિત’, અને ‘શ્રી ગણેશ’ જેવી સિરિયલોને કારણે જાણીતા થયા છે. જગેશને શ્વાસ લેવાની તકલીફ ઊભી થતા 3-4 દિવસથી એમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેઓ અસ્થમાથી પીડિત હતા. એમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હોવાનું કહેવાય છે.

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના અંબિકા રંજનકરે જગેશ મુકાતીના નિધન અંગે સોશિયલ મીડિયા પર જાણકારી આપીને દુઃખ વ્યક્ત કર્યું હતું. જગાતી સાથેની એક તસવીર શેર કરતા અંબિકાએ લખ્યું કે, ‘દયાળુ, સહાયક અને ખૂબ ભાવનાત્મક…બહુ જલદી જતા રહ્યા…તમારા આત્માને સદ્દગતિ પ્રાપ્ત થાય…શાંતિ….જગેશ પ્રિય મિત્ર, તમારા દોસ્તોને તમારી યાદ આવશે.’

જગેશ મુકાતીએ હિન્દી ફિલ્મમાં પણ કામ કર્યું હતું. તેઓ સિદ્ધાર્થ મલ્હોત્રા, પરણિતી ચોપરા અભિનિત ‘હસી તો ફસી’માં જોવા મળ્યાં હતાં.